Columns

વાસ્તવિક અને ભ્રમનો ભેદ ભૂંસાઈ જતાં મનોરોગોનું જોખમ

માણસ ભ્રમ અને વાસ્તવિકતા જેટલી વહેલી સમજે એટલું સારું હોય છે.’- તમે આ વાક્ય ફરીથી વાંચો! એનો બહુ ઊંડો અર્થ છે. સંબંધો હોય કે પ્રોફેશન હોય- તમે ભ્રમ પાળવા માંડો ને પછી એ તૂટે તો દુ:ખ સિવાય કંઈ હાથ આવે નહીં. તમે માર્ક કરજો! આ વાત તમે બધે લાગુ પાડી શકશો. તમે જેટલા વાસ્તવિક ધરતી પર રહેશો એટલા સ્વસ્થ રહેશો.
હવે ટેક્નોલોજીના ક્ષેત્રમાં આ વાત લાગુ પડી રહી છે. આમ તો માણસની પ્રકૃતિ જ પોતે બીજાથી વિશેષ છે એ બતાવવાની છે. સદીઓથી માણસ આવો દેખાડો કરે છે પણ સોશ્યલ મીડિયા આવ્યા પછી ભ્રમનું સ્તર વધી ગયું. આપણે જે લાઇફ જીવીએ એના કરતાં સોશ્યલ મીડિયામાં દેખાડવાની લાઇફ જુદી હોય છે. લાઇક, વ્યૂ અને કોમેન્ટના આધારે જીવનની સફળતા નક્કી થવા લાગી અને એ પછી આવી AI ટેક્નોલોજી. જેનાથી આખી દુનિયા નવેસરથી બદલાઈ ગઈ. હવે AI એજન્ટ બધાં કામ કરી આપે છે. તમે એને જે કામ સોંપો એ માણસની જેમ રિએક્ટ કરે છે. તમે માની ન શકો કે તમને જે જવાબ આપે છે એ AI ચેટબોટ છે. તમે એમ જ માની બેસશો કે કોઈ માણસ તમને જવાબ આપે છે.
આ જાણે જીન હોય એમ તમે ચીંધેલા બધાં કામો પળભરમાં કરી આપે છે, ને એ નવો ભ્રમ પેદા કરે છે. એવો ભ્રમ કે તમે AIને તમારો સહયોગી, મિત્ર કે માર્ગદર્શક માની લો છો. ખરી મુશ્કેલી ત્યાંથી શરૂ થાય છે. ‘‘AI એજન્ટ્સ ભલે માણસ જેવા લાગે પરંતુ માણસ જેવા સમજીને સવાલો ન પૂછો, એ તમારા થેરાપિસ્ટ કે મિત્ર નથી, AIને માણસ જેવા સમજવાની ભૂલ યુઝર્સે ન કરવી જોઈએ. AI મશીન છે અને તેને માણસની જેમ ટ્રીટ ન કરો. તેનાથી મોટું જોખમ સર્જાઈ શકે છે. તમે એને કેવી રીતે મૂલવો છો એ AI સમજે છે અને તેના આધારે એ તમારી સાથે વર્તન કરશે.’’ – આ શબ્દો છે માઈક્રોસોફ્ટ AIના CEO મુસ્તફા સુલીમાનના.
હમણાં થોડા દિવસ પહેલાં માઈક્રોસોફ્ટ AIના CEOએ એક બ્લોગ પોસ્ટમાં AIને લગતી બાબતોથી સાવધાન રહેવાની ચેતવણી આપતા કહ્યું હતું કે AI માણસ નથી તો એની સાથે માણસ જેવું વર્તન ન કરવું જોઈએ. યુઝર્સે મશીન અને માણસ વચ્ચે ભેદ પારખવો જોઈએ. જો AI સાથે માણસ જેવું વર્તન કરવામાં આવશે તો એ તમારી સાથે તે પ્રમાણે વર્તશે. AIને હ્મુમન માનીને યુઝર્સ જેવું વર્તન કરે છે તેનાથી AI મનોવિકૃતિ સર્જાય છે. માઈક્રોસોફ્ટ AIના CEOના કહેવા પ્રમાણે તમારે AI પર સંપૂર્ણ ભરોસો કરતા પહેલાં કે તેને સાથી માનતા વિચારજો. એ તમારા સાથી નથી. તેને સાથી માની બેસશો તો એ તમારી સાથે ભવિષ્યમાં કંઈક ગરબડ કરી શકે.


માઈક્રોસોફ્ટ AIના CEO આવી ચેતવણી આપે તે બહુ મહત્ત્વની બની જાય છે. જો કે તેમણે એવી સ્પષ્ટતા કરી હતી કે આ તેમનો પોતાનો અભિપ્રાય છે. માઈક્રોસોફ્ટ વતી સત્તાવાર રીતે તેઓ નિવેદન આપી રહ્યા નથી. પોતાના અનુભવના આધારે આ ચેતવણી આપી રહ્યા છે. અંગ્રેજીમાં 4600 શબ્દોમાં લખાયેલી પોસ્ટમાં તેમણે કહ્યું કે AI પાસેથી માહિતી મેળવવામાં કંઈ વાંધો નથી પરંતુ ઉપચાર માટે પૂછાતા સવાલોમાં પ્રમાણભાન રાખવું જોઈએ.
તેમનો કહેવાનો અર્થ એવો થતો હતો કે AI દ્વારા મળતી માહિતીને આખરી સત્ય માનવું જોઈએ નહીં. વળી, ઘણાં લોકો AI ચેટબોટ સાથે રોમેન્ટિક ભાગીદારી કરતા થયા છે. એ પણ યોગ્ય નથી. AI એજન્ટ તમારો કમ્પેનિયન નથી એ સાદી સમજ વિકસાવવાની જરૂર છે. તેમણે કહ્યું હતું કે માનવ ચેતના સાથે AIની સરખામણી થઈ શકે નહીં. AI માનવીય બુદ્ધિનો વિકલ્પ બની શકે છે પરંતુ માનવીય ભાવોનો વિકલ્પ બની શકે નહીં.
આ વાત એક એક્સપર્ટ કહે છે એટલે એનું મૂલ્ય વધી જાય છે. AIથી મનોવિકૃતિનું પ્રમાણ વધી જાય એનો અર્થ એ કે તેનાથી બે બાબતો થશે- એક, માણસ મનોરોગનો શિકાર બનશે. સતત AI એજન્ટને માણસ ધારવા માંડીએ તો એનાથી આપણા દિમાગમાં કેમિકલ લોચો સર્જાય છે.
બીજું, AIમાં પણ ગરબડ થશે. AI એજન્ટ ડિઝાઇન એવી રીતે થાય છે કે આપણે પૂછીએ એના પરથી એ જવાબ આપશે. આપણે એને માણસ ધારીશું તો એ માણસ જેવું જ વર્તન કરીને આપણને ભ્રમમાં રાખશે.
તો AIનો ઉપયોગ સાવધાનીથી કરવો રહ્યો! પ્રમાણભાન જાળવીશું તો જ એનો સાચો ઉપયોગ થયો ગણાશે.

આનંદ ગાંધી

Most Popular

To Top