વાસદ પોલીસે શંકા આધારે કારમાં તપાસ કરતાં તમંચો ઉપરાંત દસ કારતુસ પણ મળી આવ્યાં
(પ્રતિનિધિ) આણંદ તા.27
આણંદના વાસદ સ્થિત ટોલનાકા પર સ્થાનિક પોલીસે કારમાં તપાસ કરતાં તમંચો અને 10 કારતુસ મળી આવ્યાં હતાં. આ અંગે પોલીસે બે શખ્સ સામે ગુનો નોંધી વધુ પુછપરછ માટે રિમાન્ડ મેળવ્યાં છે.
વાસદ પોલીસને પેટ્રોલીંગ દરમિયાન નેશનલ હાઈવે પર હનુમાનજી મંદિર નજીક કાર શંકાસ્પદ જણાઇ હતી. આથી, પોલીસે ગાડી ઉભી રાખતા કારમાં સવાર એક શખ્સ ઉતરી કોતર વિસ્તારમાં ભાગી ગયો હતો. જોકે, પોલીસે તુરંત કોર્ડન કરી કારમાં તપાસ કરતાં બે શખ્સ તેમાં બેઠેલાં હતાં. જ્યારે પાછળ બે મહિલા, નાના બાળકો હતાં. આ કારનો નંબર તપાસતાં જીજે 3 ડીએન 9715 હતો. જ્યારે ગાડીના પાછળના ભાગે મુકેલી બેગમાં તપાસ કરતાં દેશી તમંચો તથા જીવતાં કારતુસ દસ મળી આવ્યાં હતાં. આથી, બે શખ્સની અટક કરી પુછપરછ કરતાં રાજેશ બનસિંઘ અજનાર (હાલ રહે. રાજકોટ, મુળ રહે. મધ્યપ્રદેશ) અને બીજો શખ્સ સવલસીંગ દુકાલ બામણી (રહે.મોરબી, મુળ રહે. મધ્યપ્રદેશ) હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત ભાગી ગયેલો શખ્સ કેસરસીંગ દુકાલ બામણી હોવાનું કબુલ્યું હતું. જોકે, દેશી તમંચા અંગે મહિલા અને બાળકો જાણતા ન હતાં. આથી, પોલીસે ગાડીમાં આગળ બેઠેલા રાજેશ અને સવલસીંગની અટક કરવામાં આવી હતી. આ અંગે વાસદ પોલીસે રાજેશ બનસિંઘ અજનાર, સવલસીંગ દુકાલ બામણીયા અને કેસરસીંગ દુકાલ બામણી સામે ગુનો નોંધી તમંચો, કારતૂસ, મોબાઇલ, રોકડા અને કાર સહિત કુલ રૂ.3,23,700નો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. વધુ તપાસ માટે ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યાં હતાં.
