મહેમદાવાદના યુવકને પત્નીની હત્યામાં સજા પડતાં પશ્ચાતાપમાં પગલું ભર્યું
:આણંદના વાસદ ગામ પાસે મહીસાગર નદીના રેલવે બ્રિજ નજીક મહેમદાવાદના યુવકે ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ અંગે પોલીસે તપાસ કરતાં મરનાર યુવકે તેની પત્નીની હત્યા કરી હતી. બાદમાં તેને મનમાં લાગી આવતા અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે વાસદ પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
આણંદના વાસદ ગામની મહીસાગર નદીના રેલવે બ્રિજ નીચે અજાણ્યા યુવકની લાશ મળી આવી હતી. આ અંગે વાસદ પોલીસને જાણ થતાં ટીમ સ્થળ પર પહોંચી હતી. પ્રાથમિક તપાસમાં યુવકનું ઝેરી દવા પીવાથી મોત થયાનું જણાયું હતું. આ અંગે પોલીસે ઓળખવિધી કરતાં મૃતક પ્રવિણ રામાભાઈ ઠાકોર (ઉ.વ.45, રહે. વણસોલા, તા. મહેમદાવાદ) હોવાનું ખુલ્યું હતું. આ અંગે વાસદ પોલીસે ઊંડાણપૂર્વક તપાસ કરતાં પ્રવિણ ઠાકોરને થોડા સમય પહેલા પત્ની સાથે ઝઘડો થયો હતો અને ઉશ્કેરાઇને પત્નીની હત્યા કરી નાંખી હતી. આ મામલે પોલીસે પ્રવિણ વિરૂદ્ધ ગુનો નોંધી ધરપકડ કરી હતી. આ હત્યા કેસમાં કોર્ટે પ્રવિણને દોષીત જાહેર કરી આજીવન કેદની સજા ફટકારી હતી. જેથી તેને વડોદરા મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યો હતો. જ્યાંથી તેને પેરોલ પર રજા લઇને ઘરે ગયો હતો. બાદમાં અચાનક પોતાના ઘરેથી નીકળી વાસદ મહિસાગર નદી રેલવે બ્રિજ નજીક આવ્યો હતો અને પત્નીની હત્યા કરી પોતે ખોટું કર્યું છે, તેવું મનમાં લાગી આવતાં ઝેરી દવા પી આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું હતું. વાસદ પોલીસે પ્રવિણ ઠાકોરના મૃતદેહને વધુ તપાસ અર્થે પોસ્ટમોર્ટમ અર્થે મોકલી આપ્યો હતો. જ્યારે બનાવ સંદર્ભે અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.