વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે આવેલી પાનની દુકાનમાં વારસિયા પોલીસે દરોડો પાડી પ્રતિબંધિત સ્મોકિંગ સામાન વેચતા એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે સ્થળ પરથી રોલિંગ પેપર અને ગોગો કોન સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે.
માહિતી મુજબ વારસિયા પોલીસ પેટ્રોલિંગ દરમિયાન કિશનવાડી વિસ્તારમાં ગધેડા માર્કેટ ચાર રસ્તા પાસે પહોંચતા બાતમી મળી હતી કે ‘જય અંબે પાન એન્ડ કોલ્ડ ડ્રિન્ક’ નામની દુકાનમાં ગોગો રોલિંગ પેપર અને સ્મોકિંગ માટે ઉપયોગમાં લેવાતા સામાનનું ગેરકાયદે વેચાણ કરવામાં આવી રહ્યું છે.
બાતમીના આધારે પોલીસે દુકાન પર રેડ કરી હતી. તપાસ દરમિયાન દુકાનમાંથી ધર્મેશ જગદીશ રાજપૂત (ઉ.વ. 26, રહેવાસી સતાધાર સોસાયટી, બાપોદ જકાતનાકા, વડોદરા) ઝડપાયો હતો. દુકાનની તપાસ કરતા કાઉન્ટર પરથી ગોગો કોન અને પ્રી-રોલ સ્ટિક નંગ 8 (રૂ.160) તેમજ રોલિંગ પેપર નંગ 8 (રૂ.80) મળી આવ્યા હતા.
વારસિયા પોલીસે સમગ્ર મુદામાલ કબ્જે કરી પ્રતિબંધિત સામાનનું વેચાણ કરતા જાહેરનામાનો ભંગ બદલ ગુનો નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.