Business

વાદલડી વરસી રે… રમવાનો હરખ છલી વળ્યો…

વરસાદ!!!.. કોને ના ગમે ? અને એમાંય મોજીલા સુરતીઓ માટે તો બસ વરસાદ એટલે મોજમજાનું એક બહાનું જ સમજી લો ને!! એકાદ ઝાપટું પડ્યું નથીને ડુમસના ભજીયા, ફ્રેન્ડ્સ સાથે લોંગ ડ્રાઈવ, ચા અને નાસ્તાની મજા યાદ આવી જાય અને વળી વરસાદમાં ભિંજાવવાની મજા તો દરેકે લીધી જ હોય છે. કેટલાકને વરસાદ પડતાં ઘરની બહાર બેસી ચા પીતા વરસાદને નિહાળવો ગમે, કેટલાકને વરસાદ પડતાં ગરમા ગરમ ભજીયા યાદ આવે અને સુરતી હોય તો લોચો કેમ ભૂલાય ? તમને દિલવાલે દુલ્હનીયા લે જાયેંગા ફિલ્મનું ‘મેરે ખાબો મે જો આયે…. ‘ એ સોંગ તો યાદ જ હશે? જેમાં શાહરૂખ ખાન વરસાદમાં ફૂટબોલ રમે છે. આ તો થઈ બધી ફિલ્મની મોજ મસ્તીની વાતો પણ કેટલાય એવા સુરતમાં પણ શાહરૂખની જેમ સ્પોર્ટ્સ પ્રેમીઓ છે જેમને વરસાદમાં સ્પોર્ટ્સ રમવાનું ખૂબ જ પસંદ છે અને સ્પેશ્યલ વરસાદમાં રમવાનો લાહવો લેવા ડુમસ સુધી જતાં હોય છે, ત્યારે ચાલો મળીએ આવા સ્પોર્ટ્સ પ્રિય લોકોને…

ચાલુ વરસાદમાં સ્વિમિંગ કરવાનો મોકો મૂકતો જ નથી : જગદીશ પાંડવ  

જગદીશ જણાવે છે કે, ‘વરસાદ બાળપણથી જ મને ખૂબ જ પસંદ છે. બધાને વરસાદમાં નાહવા કે ભીંજાવવાનું ગમતું હોય છે. મને વરસાદમાં ખાસ સ્વિમિંગ કરવાનું ગમે છે. આમ તો સ્વિમિંગ હું રેગ્યુલર નથી કરતો પણ વરસાદની સિઝનમાં મને સ્વિમિંગ કરવાનું ખૂબ જ ગમે છે. આથી ખાસ વરસાદ આવતો હોય અને મને સમય મળે એટલે હું ચાલુ વરસાદમાં સ્વિમિંગ કરવાનો મોકો મૂકતો જ નથી. આજ દિન સુધી આમ તો અણબનાવ બન્યો નથી, હા પણ એકવાર ધોધમાર વરસાદમાં હું સ્વિમિંગ કરવા ગયો અને ઘરે આવીને ખૂબ જ ઠંડી અને તાવ ચડેલો આથી મને ઘરના લોકો ખૂબ જ ખિજવાયા હતા.’’

સ્લીપ થઈ જવાથી મારા પગમાં ફેકચર પણ આવેલું :  આલોક જૈસવાલ

 આલોક જૈસવાલ રેગ્યુલરલી સ્પોર્ટ્સ રમે છે. તેમને ક્રિકેટ, વોલીબોલ, સાયકલિંગ, સ્વિમિંગ કરવાનું પસંદ છે. આલોકભાઈ જણાવે છે કે, ‘મને વરસાદમાં વોલીબોલ અને ક્રિકેટ રમવાનું પસંદ છે. હું કોઈપણ સ્પોર્ટ્સ રમતો હોંઉ અને જો વરસાદ આવે તો પણ અમે મેદાન મૂકી જતાં નથી રહેતા. અમારું રમવાનું બંધ નથી રહેતું અને કોઈકવાર તો અમે વરસાદમાં વોલીબોલ કે ક્રિકેટ રમવા માટે પ્લાન કરીએ. એકવાર તો વરસાદમાં વોલીબોલ રમતા રમતા સ્લીપ થઈ ગયેલો અને મારા પગમાં ફેકચર પણ આવેલું છતાય વરસાદમાં રમવાનું મે બંધ નથી કર્યું’.

Most Popular

To Top