વડોદરા :
બાપોદ અને વાડી પોલીસ સ્ટેશનના પીએસઆઇની ઓળખ આપીને રેપિડો કેપ્ટન તથા ચાઇનીઝની લારી ચલાવતા વેપારી સાથે ઠગાઈ કરતી ગેંગ સક્રિય થઈ છે. વાડી પીએસઆઈ નલવાયા બોલું છું મારી દીકરીને ગધેડા માર્કેટ પાસે છોડવાની છે તેમ કહી રાઈડ બુક કરાવી રૂપિયા પણ આપ્યા ન હતા. તેવી જ રીતે ચાઈનીઝના વેપારી પાસેથી ચાઇનીઝ લીધા બાદ રૂપિયા નહીં ચૂકવીને ઠગે ગાળાગાળી પણ કરી હતી. બાપોદ પોલીસે પણ કોઈ મદદ નહીં કરી હોવાનો આક્ષેપ વેપારીએ કર્યો છે.
વડોદરા શહેરમાં સાયબર માફિયા દ્વારા અલગ અલગ પ્રકારની તરકીબો અપનાવીને લોકો સાથે ઠગાઈ કરવામાં આવતી હોય છે. ત્યારે સાયબર ઠગોએ રેપિડોના માધ્યમથી છેતરપિંડી કરતા હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જેમાં એક રેપિડૉ કેપ્ટન યુવકને અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો અને વાડી પોલીસ સ્ટેશનમાંથી પીએસઆઈ નલવાયા બોલું છું તેવી ઓળખ આપી હતી અને મારી દીકરીને લોકેશન પરથી લેવાની છે અને ગધેડા માર્કેટ પાસે છોડવાની છે તેમ કહ્યું હતું. જેથી કેપ્ટન યુવક બુરખો બાંધેલી યુવતીને બેસાડી ગધેડા માર્કેટ પાસે છોડી હતી અને ભાડું માંગ્યું હતું પરંતુ યુવતીએ આપ્યું ન હતું. ઓનલાઇન કરશે તેમ કહ્યું હતું. પરંતુ ત્યારબાદ રેપિડો કેપ્ટનનો ફોન ઉપાડ્યો ન હતો. જ્યારે બીજા બનાવમાં બાપોદ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચાઇનીઝની લારી ચલાવતા વેપારી પાસે એક રેપિડો ચાલક આવ્યો હતો અને ચાઇનીઝ પેક કરાવી લઈ ગયો હતો. જેના પેમેન્ટ બાબતે કહેતા બાપોદ પોલીસની પીસીઆર વાન આવીને કરશે તેમ કહ્યું હતું. ત્યારબાદ
રેપિડો ચાલકે એક મોબાઇલ નંબર આપ્યો હતો. જેના પર વેપારીએ કોલ કરતા પીએસઆઈ નાલવાયાનું નામ ટ્રુ કોલરમાં નામ બતાવ્યું હતું. જેથી વેપારીએ વાત કરી પેમેન્ટ માંગતા આપ્યું ન હતું અને વેપારી સાથે ગાળાગાળી કરી હતી.જેથી વેપારી કંટાળીને બાપોદ પોલીસ સ્ટેશન ગયા હતા ત્યારે ત્યાંના પોલીસ કર્મચારીઓએ પણ કોઈ મદદ કરી ન હતી.