- ઉમેદવારી પત્ર ભરવા રેલી સ્વરૂપે નીકળ્યા અને સમર્થકો ગેલમાં આવી ગયા
- કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ, સ્ટંટબાજો સામે પગલાં ભરાશે?
વાઘોડિયાના ભાજપના ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા સોમવારના રોજ ઉમેદવારી પત્ર ભરવા માટે રેલી સ્વરૂપે નીકળ્યા હતા જો કે તેઓની આ રેલીમાં કેટલાક સમર્થકો જીવન જોખમે સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. એક કારની બંને તરફ યુવાનો બારીમાં બેસી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. ત્યારે જો કોઈ અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ?
લોકસભાની ચૂંટણીની સાથે સાથે વડોદરા જિલ્લાની વાઘોડિયા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી પણ યોજાશે.જેમાં ભાજપા તરફે પૂર્વ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ ઉમેદવારી નોંધાવી છે. જેઓ સોમવારના રોજ પોતાના સમર્થકો સાથે નામાંકન પત્ર ભરવા પહોંચ્યા હતા. તેઓ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તેઓ સાથે કેટલાય સમર્થકો વાહનો સાથે જોડાયા હતા. જે પૈકી એક નાની કારમાં બે યુવાનો જોખમી સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. ચાલુ કારમાં આ બંને યુવાનો બારી ઉપર બેસી ગયા હતા અને કારની બહાર પોતાનું અડધું શરીર કાઢીને સ્ટંટ કરતા નજરે પડ્યા હતા. જો કે આવા સ્ટંટ ક્યારેક અકસ્માત નોંતરી શકે છે. અને જો આવા અકસ્માત સર્જાય તો જવાબદાર કોણ? સામાન્ય વ્યક્તિ જો આવા સ્ટંટ કરતા સીસીટીવીમાં પણ નજરે પડે તો ટેનિસ અમે પગલાં ભરવામાં આવે છે ત્યારે આ લોકો સામે પગલાં ભરવામાં આવશે કે કેમ તે એક સવાલ છે.
સમય સાચવવા ઉમેદવાર બાઈક ઉપર પહોંચ્યા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા ઉમેદવારી પત્ર ભરવા માટે પોતાના સમર્થકો સાથે નીકળ્યા હતા. 12.39 ના વિજય મુહૂર્તમાં તેઓ ઉમેદવારી નોંધાવવાના હતા. પરંતુ તેઓને મોડું થઇ સાચવવા તેઓ બાઈક ઉપર સેવાસદન કચેરી ખાતે પહોંચ્યા હતા. અને વિજય મુહૂર્ત સાચવી તે જ સમયે પોતાનું ઉમેદવારી પત્ર અધિકારીને સોંપ્યું હતું. તેઓ સાથે પ્રભારી ભરતસિંહ પરમાર, જિલ્લા પ્રમુખ સતીશ નિશાળિયા, સંસદ રંજનબહેન ભટ્ટ, લોકસભાના ઉમેદવાર હેમાંગ જોષી, ડભોઈના ધારાસભ્ય શૈલેશ મહેતા સહિતના આગેવાનો જોડાયા હતા.
લોકસભાના ઉમેદવાર ડો. હેમાંગ જોષી આજે ફોર્મ ભરશે
વડોદરા લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ડો. હેમાંગ જોષી આજે મંગળવારે ઉમેદવારી પત્ર ભરશે. સવારે રેલી સ્વરૂપે નીકળી વિજય મુહૂર્તમાં તેઓ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. તો લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રામનવમીના દિવસે તા. 18 એપ્રિલના રોજ પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. વાઘોડિયા વિધાનસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર કનુભાઈ ગોહિલ પણ આજે મંગળવારે પોતાનું ઉમેદવારી પત્ર ભરશે. ઉમેદવારી પત્ર ભરવાની અંતિમ તારીખ 19 એપ્રિલ નિયત કરવામાં આવી છે.