પાંચેક દિવસથી ગુમ રહેલા મજૂરનું તળાવમાં ડૂબી જતા મોતની આશંકા
વાઘોડિયા | તા. 3
વાઘોડિયા ટાઉન વિસ્તારમાં નવી નગરી પાસે આવેલી નર્મદા કોલોની નજીકના તળાવમાંથી આજે સવારે સાડા અગિયાર વાગ્યાના અરસામાં દુર્ગંધ યુક્ત ડી-કમ્પોઝ હાલતમાં એક અજાણ્યા ઇસમનો મૃતદેહ મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. સ્થાનિક શ્રમજીવીઓએ બનાવની જાણ વાઘોડિયા પોલીસને કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

પ્રાપ્ત વિગતો મુજબ તળાવમાં લાશ હોવાની જાણ થતા પોલીસે આસપાસના શ્રમજીવીઓ પાસે ઓળખ પરેડ કરાવી હતી. જેમાં મૃતકની ઓળખ દિનેશભાઈ નટવરસિંહ બારીયા (ઉ.વ. 37) તરીકે થઈ હતી, જે મૂળ દાતોલ, તા. ઘોઘંબા, જી. પંચમહાલના રહેવાસી અને વાઘોડિયા વિસ્તારમાં મહેનત-મજૂરી કરી જીવન નિર્વાહ કરતા હતા.
પરિવારજનો દ્વારા મળતી માહિતી અનુસાર દિનેશભાઈ તા. 28/12/2025ના રોજ વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં વાઘોડિયાની કડિયાકામની સાઈટ પરથી નીકળ્યા હતા, ત્યારબાદ તેઓ પરત ફર્યા ન હતા. પોલીસે અનુમાન વ્યક્ત કર્યું છે કે વહેલી સવારે કુદરતી હાજતે જતા સમયે પગ લપસી જવાથી તેઓ તળાવમાં પડી ગયા હોય અને ડૂબી જતા તેમનું મોત થયું હોય.
મૃતકના શરીર પર કોઈ પણ પ્રકારની ઇજાના નિશાન જોવા મળ્યા ન હતા. છેલ્લા ચારથી પાંચ દિવસથી તળાવમાં ડૂબી રહેવાના કારણે મૃતદેહ ડી-કમ્પોઝ થયો હતો અને દુર્ગંધ ફેલાઈ રહી હતી. કપડાં અને ચહેરાના આધારે પરિવારજનોએ મૃતકની ઓળખ પુષ્ટિ કરી હતી.
વાઘોડિયા પોલીસે પરિવારજનોના નિવેદન નોંધી મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરાવ્યા બાદ અંતિમ વિધિ માટે પરિવારને સોંપ્યો હતો. આ ઘટનાથી મૃતકના પરિવારજનો અને સહકર્મીઓમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
રિપોર્ટર: બજરંગ શર્મા, વાઘોડિયા