Vadodara

વાઘોડિયારોડ કલાદર્શન ચારરસ્તા નજીક પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ સાત વર્ષથી મકાનથી વંચિત


*70 થી 80 પરિવારો ચોમાસામાં ફૂટપાથ પર રહેવા મજબૂર, સમયસર ભાડું પણ ચૂકવવામાં આવતું નથી અને જ્યારે ભાડા માટે આંદોલન કરે ત્યારે માત્ર₹2000ભાડા પેટે આપવામાં આવે છે*

*માધવનગર અને ગુરુકુળ પાસેના ગેરકાયદેસર આવાસો દૂર કરાયા ત્યારે 18મહિનામાં મકાનોની ફાળવણી કરવામાં આવશે તેવા વાયદા કર્યા હતા*


(પ્રતિનિધિ) વડોદરા તા. 15

વડોદરા શહેરને સ્માર્ટ સિટી બનાવવાના ભાગરૂપે શહેરના વિવિધ વિસ્તારમાં આવેલા કાચા પાકા મકાનો, ઝૂંપડાઓ પાલિકા તંત્ર દ્વારા દૂર કરવામાં આવ્યા હતા અને બદલામાં ત્યાં રહેતા લોકોને વિવિધ વિસ્તારોમાં વુડાના આવાસોમા મકાનોની ફાળવણી કરી વસાવવામાં આવ્યા હતા.આ જ રીતે શહેરના પૂર્વ વિસ્તારમાં આવેલા વાઘોડિયારોડ કલાદર્શ ચારરસ્તા પાસેના ઝૂંપડાઓ આજથી આઠેક વર્ષ અગાઉ દૂર કરવામાં આવ્યા હતા. અહીં 70 ઉપરાંત પરિવારો વસવાટ કરતા હતા તેઓને નજીકના વુડાના આવાસના મકાનોમાં 18મહિનામાં જ મકાનો ની ફાળવણી કરવાના વાયદા પાલિકા તંત્ર દ્વારા આપવામાં આવ્યા હતા સાથે જ આ સમયગાળા દરમ્યાન લાભાર્થીઓને ભાડું ચૂકવવા માટે પાલિકા તંત્ર દ્વારા લાભાર્થીઓને ફોટો સાથેનો પત્ર પણ બનાવી આપ્યો હતો પરંતુ આજે સાત વર્ષ ઉપરાંતનો સમય વિતી ગયો છતાં લાભાર્થીઓને આવાસોની ફાળવણી કરવામાં આવી નથી. કલાદર્શન ચારરસ્તા નજીક મહાવીર હોસ્પિટલ ની આગળ જ પ્રધાનમંત્રી આવાસ યોજનાના મકાનો આવેલા છે. અહીંના લાભાર્થીઓને રેગ્યુલર ભાડું પણ ચૂકવવામાં આવતું ન હોવાના આક્ષેપો સ્થાનિકોએ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેઓને રેગ્યુલર ભાડાની રકમ ચૂકવવામાં આવતી નથી અને જ્યારે પણ મોરચો લ ઇ ભાડા માટે ઓફીસ પર જાય છે ત્યારે માત્ર ₹2000 ભાડા પેટે ચૂકવવામાં આવે છે. તો ₹2000ના ભાડાની રકમથી શું થાય? લોકો ફૂટપાથ પર રહેવા મજબૂર બન્યા છે. આ લાભાર્થીઓ દ્વારા કેટલીય વાર પાલિકા કચેરી, સ્થાનિક વોર્ડ કચેરી, ધારાસભ્ય તથા સ્થાનિક કાઉન્સિલરો ને પણ રજૂઆતો કરી છે છતાં આ બાબતે નિકાલ આવ્યો નથી જેના કારણે સોમવારે આ લાભાર્થીઓ પાલિકાના લેટર્સ સાથે પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્થળ પર તથા ત્યારબાદ રાવપુરા આવાસ યોજનાની કચેરી ખાતે પહોંચ્યો હતો અને સૂત્રોચ્ચાર સાથે પોતાના આવાસોની ફાળવણી કરવા તથા રેગ્યુલર ભાડાની રકમ ચૂકવવામાં આવે તેવી માંગ કરી હતી. જ્યારે મહિલાઓએ આક્ષેપો કરતાં જણાવ્યું હતું કેઅત્યારે ચોમાસામાં બાળકો સાથે તંત્રની લાપરવાહી ને કારણે ફૂટપાથ પર આશરો લેવાનો વારો આવ્યો છે. બે હજારના ભાડાની રકમમાં શું થાય? કોઇ રાજકારણીઓ કે કોઇ અધિકારીઓ અમારા પર દયા નથી ખાઇ રહ્યાં બીજી તરફ પાલિકાના અધિકારીઓ પણ આવાસોની ફાળવણી નથી કરી રહ્યાં ત્યારે અમે જઇએ તો ક્યાં જઇએ તેમ પોતાની વેદનાઓ ઠાલવી હતી.

Most Popular

To Top