બાઇક ચાલકને ઇજાઓ પહોંચી, ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો
વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકાના ધીરજ જનરલ હોસ્પિટલ નજીક એક સફેદ રંગની ક્રિએટા કાર જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે -06-પીકે -5452ના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ડિવાઇડર કૂદીને સામેના રોડ પર એક મોટરસાયકલ ને અડફેટે લેતાં બાઇક ચાલક ફંગોળાયો હતો. જેમાં બાઇક ચાલકને ઇજાઓ પહોંચી હતી જેમાં ઇજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
કારની સ્પીડ એટલી બધી હતી કે કાર અને બાઇક ઉછળીને રોડની સાઈડમાં જઇને ઉંધા વળી ગયા હતાં. જો કે કાર ચાલકને સામાન્ય ઇજાઓ પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. ઘટનાને પગલે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા બનાવને પગલે વાઘોડિયા પોલીસે તપાસ હાથ ધરી છે. કાર ચાલક નશામાં હતો કે પછી અન્ય કોઈ કારણોસર સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા અકસ્માત સર્જાયો છે તે અંગેની તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
