છેલ્લા 24 કલાકમાં બે વાર દીપડો ત્રાટકયો
15 દિવસમાં ત્રણ જેટલા પશુનો ખાતમો
વાઘોડિયા તાલુકાના દેવકાંઠાના દંખેડા ગામે વિવિઘ જગ્યાએ દિપડાએ છેલ્લાં 24 કલાકમાં બે પશુનું મારણ કર્યાની ઘટના બની છે. જેમા દંખેડા ગામે ખેતરમાં બાંઘેલી મંજુલાબેન ગણપતભાઈ પરમારની ચાર મહિનાની પાડીનુ મારણ કર્યુ છે. જયારે દેવ નદી કાઠેથી જયંતીભાઈ દેવજીભાઈ પરમારની દોઢ વર્ષની પાડી પર હુમલો કરી શિકાર કર્યો હતો. દીપડા એ છેલ્લા 15 દિવસમાં ત્રણ પશુનો ખાત્મો બોલાવ્યો છે .
વાઘોડિયાના દેવનદી કિનારે આવેલા દંખેડા ગામની સીમમાં ચારપગાના આતંકને લઈ પશુપાલકો અને ખેડુતોમા ફફડાટ જોવા મળી રહ્યો છે. દંખેડાં ગામની ઘટના અંગે ગામના સરપંચ શૈલેષભાઈ થકી વનવિભાગને જાણ કરતા વનવિભાગે ઘટના સ્થળે પહોંચી જરુરી કાર્યવાહી હાથ ઘરી છે. વાઘોડિયા દેવકાંઠા વિસ્તારમા દીપડાનો આતંક યથાવત જોવા મળતા પાંજરે પુરવા પંથકમાં ઘણા સમયથી માંગ ઊઠી છે.
તાલુકામાં પસાર થતી દેવનદી કાંઠાના વ્યારા, મુવાડા, વાલવા, સાંગાડોલ,આશા, ફલોડ અને દંખેડા સહિતના ગ્રામજનો ઘ્વારા પાંજરા મુકવાની માંગ ઊઠી છે. બીજી તરફ દીપડો પાંજરુ મુક્યા બાદ પણ પાંજરે પુરાતો નથી, જાંબુઘોડા અરણ્ય સાથે વાઘોડિયા દેવકાંઠાના જંગલ વિસ્તાર જોડાયેલો હોવાથી દીપડાની સંખ્યા વધતી રહે છે.જેને લીધે લોકો એકલ દોકલ સીમમાં ખેતી કે પશુ ચરાવવા જતા ભયભીત જોવા મળ્યા હતા.