વડોદરામાં શાશકો દ્વારા સર્જિત પુરમાં તારાજી સર્જાઈ છે. ત્રણ દિવસ વડોદરા પાણીમાં ડૂબેલું રહ્યું. હવે જ્યારે પુર ના પાણી ઓસરી રહ્યા છે ત્યારે જળચર પ્રાણીઓ રહેણાંક વિસ્તારોમાં અને બગીચાઓમાં આવી ચઢે છે. ગત રાત્રે કમાટીબાગમાં ત્રણ મસ મોટા મગરો દેખા દેતા કર્મચારીઓમાં ગભરાટ ફેલાયો હતો. આ દરમ્યાન વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટને જાણ કરવામાં આવતા સંજય રાજપૂત તેમની ટીમ સાથે સ્થળ પર દોડી આવ્યા હતા. કમાટીબાગમાં વિવિધ સ્થળે ત્રણ મગરો હતા, જેમાં એક દશ ફૂટનો, બીજો અગિયાર ફૂટનો અને ત્રીજો તેર ફૂટનો હતો. ત્રણેય મગર વિશાળ કાય હોવાથી રેસ્ક્યુ ટીમને પકડવામાં ભારે જહેમત ઉઠાવવી પડી હતી. એક મગર તો પકડતા પહેલા પાણીમાં ઉતરી ગયો હતો. જો કે રેસ્ક્યુ ટીમે તેને પણ પકડી લીધો હતો. આવા મસ મોટા મગરો પકડવામાં સહેજ પણ ભૂલ થાય તો તમે કલ્પના કરી શકો છો કે શું થાય ?
જો કે વાઈલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટ ની ટીમ મગર પકડવામાં પારંગત હોવાને કારણે દરેક મગર ને સરળતાથી રેસ્ક્યુ કરે છે. આમ જીવના જોખમે મગર પકડતા જીવદયા પ્રેમીઓ શહેરીજનોની સલામતી માટે પોતાના જીવ જોખમમાં મૂકે છે જે સરાહનીય કામગીરી છે અને પ્રશંસાને પાત્ર છે.