વસો પોલીસે નેશનલ હાઈવે પર ગાડી રોકી તલાસી લેતા ભાંડો ફુટ્યો
વસો પોલીસે નેશનલ હાઈવે પર રોકેલી મહિન્દ્રા બોલેરા પીકઅપ ડાલુ ગાડીની તલાસી લેતા તેમાંથી 2832 વિદેશી દારૂની બોટલ મળી આવી હતી. આ અંગે તપાસ કરતાં આ વિદેશી દારૂ નકલી હોવાનું ખુલતાં પોલીસ ચોંકી ગઇ હતી. જેની તપાસમાં પાટણ, સિંધખેડ અને મહારાષ્ટ્રના શખ્સ સામે ગુનો નોંધી રૂ.7.37 લાખનો મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પ્રાથમિક તપાસમાં મહારાષ્ટ્રથી અમદાવાદ સપ્લાય થતો ડુપ્લીકેટ દારૂ હતો.
વસો પોલીસે પોતાના હદ વિસ્તારમાંથી પસાર થતાં અમદાવાદ-મુંબઈ નેશનલ હાઇવે પરથી પીકઅપ ડાલામાંથી ડુપ્લીકેટ વિદેશી દારૂનો જથ્થો પકડી પાડ્યો છે. મહારાષ્ટ્રથી અમદાવાદ ખાતે સપ્લાય થતો આ દારૂ અધવચ્ચેથી પોલીસે પકડી લીધો છે. આ બનાવમાં પીકઅપ ડાલા ચાલક અને અન્ય એક ઈસમને ઝડપી લેવાયો છે. જ્યારે બનાવટી દારૂનુ ઉત્પાદન કરનાર ઈસમ વોન્ટેડ છે. પોલીસે પ્રોહીબીશનનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વસો પોલીસ ગતરાત્રે બાતમીના આધારે વસોના દંતાલી ગામની સીમમાં પસાર થતાં અમદાવાદ-મુંબઈ હાઈવે પરથી અમદાવાદ તરફ જતી પીકઅપ ડાલા નંબર (MH 41 AG 2418)ને અટકાવી હતી. વાહનની કેબીનમા બે ઈસમો બેઠા હતા. જેમાં પોલીસે આ બંનેને નીચે ઉતારી નામઠામ પુછતા બંનેએ પોતાના નામ હર્ષલ ઉર્ફે બંટી મુકેશ પરદેશી અને ભૈયા લાલસિંહ ભીલ (બન્ને રહે.મહારાષ્ટ્ર) હોવાનું જણાવ્યું હતું. પોલીસ વાહનના પાછળના ભાગે બાંધેલ તાડપત્રી ખોલીને જોતા તે ચોકી ઉઠી હતી.
વાહનમાંથી વિદેશી દારૂનો મોટી માત્રામાં જથ્થો હતો. પોલીસે આ બાબતે બંને ઈસમોની પુછપરછ કરતા હર્ષલે કહ્યું કે, આ દારૂ ડુપ્લીકેટ છે અને તે મહારાષ્ટ્રના ધૂળે જિલ્લાના સીરપુર તાલુકાના બોરડી ગામે રહેતા દિગમ્બર પાવરાએ પોતાના ખેતરમાં બનાવેલ છે. વધુમાં આ બંને લોકોએ પોલીસને જણાવ્યું કે, આ દિગમ્બર પાવરા પોતે પોતાના ખેતરમાં ડુબલીકેટ દારૂ બનાવી ખાલી ક્વોટરોમાં પેક કરી કોવટર ઉપર જાતે સીલ લગાવી અને પુઠાના બોક્સમાં ભરી માણસો દ્વારા સેલોટેપ લગાવી તેને પેક કરી વેચાણ કરે છે અને આ દારૂ મહારાષ્ટ્રથી અમદાવાદ ખાતે લઈ જવાતો હતો.
પોલીસે પંચોને બોલાવી તમામ ડુપ્લીકેટ દારૂની ગણતરી કરતાં કુલ 59 બોક્સમાં 2832 નંગ બોટલો કિંમત રૂપિયા 2 લાખ 83 હજાર 200નો મળી આવ્યો હતો. આ સાથે ઉપરોક્ત ગુનામાં વપરાયેલ વાહન તેમજ અન્ય મુદ્દામાલ મળી કુલ રૂપિયા 7 લાખ 37 હજાર 200નો મુદ્દામાલ કબજે કર્યો છે. અને ડુપ્લીકેટ દારૂ બનાવનાર ઈસમને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.