Vadodara

વસોના પલાણા ગામે તબેલામાંથી સરકારી યોજનાનો ખાદ્ય સામગ્રીનો જથ્થો મળતા ચકચાર઼…

ઈન્ચાર્જ CDPOએ તબેલા માલિક અને અન્ય સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી…

ખેડા જિલ્લાના વસો પંથકમાંથી બાળ વિકાસ યોજનામાં આંગણવાડી મારફતે લાભાર્થી સગર્ભા, ધાત્રી, કિશોરી બહેનો તેમજ 6 વર્ષના બાળકોને પુરક પોષણ પુરૂ પાડવા માટે આપવામાં આવતો ખાદ્ય સામગ્રીનો જથ્થો પલાણા ખાતેના તબેલામાંથી મળી આવ્યો છે. અહીંયાથી પૌષ્ટિક આહાર, રાશનની 16 બેગો કુલ 160 કીલો જથ્થો મળી આવ્યો છે. આ બનાવ મામલે ઈનચાર્જ CDPOએ તબેલા માલિક અને અન્ય સામે વસો પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસ ઉંડી તપાસ કરે તો મસમોટું રેકેટનો પર્દાફાશ થાય એમ છે.

વસો તાલુકાના પલાણા ગામે સરકારી યોજનામાં આવતા પુરક પોષણ પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનો ગેરકાયદે જથ્થો મળી આવતા ચકચાર મચી છે. વસો તાલુકાના ઈનચાર્જ CDPOને માહિતી મળી હતી કે, વસો નજીકના પલાણા ગામે આવેલ વડ ફળિયાના અમીત જયંત પટેલના તબેલામાં સરકારી યોજનાની ખાદ્ય સામગ્રીનો ગેરકાયદે સ્ટોક છે. જેથી 20 ઓગસ્ટના રોજ સ્થળ પર પહોંચી તપાસ આદરવામાં આવી હતી. આ તબેલામાંથી પુરક પોષણ યોજનાની ખાધ્ય સામગ્રીની કુલ 16 બેગ જે પૈકી 11 બેગ બાળશક્તિ, 3 માતૃશક્તિ, અને 2 પુર્ણાશક્તિ ભરેલી મળી આવી કુલ 160 કીલો જથ્થો હતો. જે અલગ અલગ બેચ નંબરની છે તે જેની કુલ કિંમત રૂપિયા 10 હજાર 200 તેમજ આ તબેલામાંથી આ યોજનાની ખાલી બેગો નંગ.28 મળી આવી હતી. આ સામગ્રી સગેવગે થાય તે પહેલાં જ બહાર આવતા સમગ્ર કૌભાંડ ખુલ્લુ પડ્યુ છે. આ તબેલાની જગ્યા અમીત જયંતભાઈ પટેલ (રહે.પલાણા)ની હોવાનું જાણવા મળ્યું હતું. જેથી આ સમગ્ર મામલે ઈનચાર્જ CDPO સંગીતાબેન સોલંકીએ વસો પોલીસ મથકે ઉપરોક્ત તબેલાના માલિક અમીત જયંતભાઈ પટેલ તેમજ કરાર કરેલ અમૂલ કંપની ઈન્ટીગ્રેટેડ ચાઈલ્ડ ડેવલપમેન્ટ સ્કીમના ટેક હોમ રેશનના વિતરક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

આ બનાવ મામલે પોલીસ ફરિયાદ નોધાવનાર ઈનચાર્જ CDPO સંગીતાબેન સોલંકીએ જણાવ્યું કે, હું હાલમાં વસો તાલુકા પંચાયતમાં મુખ્ય સેવીકા તરીકે નોકરી કરું છુ અને હાલમાં મારી પાસે C.D.P.O તરીકેનો વધારાનો ચાર્જ છે. અને C.D.P.O તરીકે તાલુકામાં બાળ વિકાસ યોજના હેઠળ તાબામાં આવતી આંગણવાડીઓ મારફતે લાભાર્થી બહેનો જેવી કે સગર્ભા બહેનો, ધાત્રી બહેનો, કિશોરીઓ અને છ માસથી છ વર્ષના બાળકોને પુરક પોષણ પુરુ પાડવા તથા તેને લગત આનુસંગીક સેવાઓ કરવાની મારે કરાવવાની હોય છે. સરકારની (સંકલીત બાળ વિકાસ સેવા યોજના) હેઠળ આવતી સામગ્રીનું આંગણવાડી બહેનો મારફતે નોંધાયેલ લાભાર્થીને જરૂરી પોષ્ટીક આહાર પહોંચાડવાની કામગીરી તેમજ ચકાસણી મારે કરવાની હોય છે અને આંગણવાડીમાં આ સામગ્રી સરકારએ ઉપરોકત યોજના હેઠળ આણંદ ખાતે આવેલ મોગર ગામમાં ચાલતી અમુલ કંપની સાથે કરાર કરી કંપનીના ડીસ્ટ્રીબ્યુટર આંગણવાડી ખાતે પહોંચાડવાની હોય છે. અમારી પુરક પોષણ યોજનાની ખાધ્ય સામગ્રીની કુલ 16 બેગો અહીંયાથી ગેરકાયદે મળી આવી છે. જેથી આ મામલે પોલીસ ફરિયાદ કરાઈ છે. અમારા ઉપરી અધિકારી સાથે ચર્ચા વિચારણા કરી આ ફરિયાદ કરવામાં આવી છે.

Most Popular

To Top