વલસાડ : વલસાડના (Valsad) છીપવાડ વિસ્તારમાંથી પસાર થઈ રહેલી એક મહિલાના (Woman) કપાળના ભાગે દોરી આવી જતાં તેઓ ઘાયલ થઈ ગયા હતા. જેમને સારવાર અર્થે હોસ્પિટલમાં (Hospital) દાખલ કર્યા બાદ તેમને મળવા જતા તેમના પતિ પણ દોરાથી ઘાયલ થઈ ગયા હતા. જેમને પણ સારવાર આપવી પડી હતી. ડોક્ટર હાઉસમાં નોકરી કરતા રાધિકા દેસાઈ નોકરી પરથી છૂટીને ઘરે જઈ રહ્યા હતા. તે દરમિયાન છીપવાડ નજીક પતંગનો દોરો આવી જતાં તેમને કપાળના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિકો દ્વારા તેમને ડોક્ટર હાઉસ ખાતે સારવાર અર્થે લઇ જવાયા હતા.
જેની જાણ તેમના પતિ કૌશિકભાઈ દેસાઈને થતાં તેઓ તાત્કાલિક જ તેમના ઘરેથી નીકળી હોસ્પિટલ આવવા રવાના થયા હતા. ત્યારે વલસાડ પારડી નજીક પતંગનો દોરો આવી જતા તેમને પણ નાકના ભાગે ઈજાઓ થઈ હતી. સમગ્ર ઘટનાને લઈને દંપતીને વલસાડની ડોક્ટર હાઉસ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. જ્યાં હાલ બંનેની સારવાર ચાલી રહી છે.
બીલીમોરામાં પતંગની દોરીથી ઘવાયેલા 7 પક્ષીને બચાવી નવજીવન અપાયું
બીલીમોરા : બીલીમોરામાં ઉતરાયણ પર્વે પતંગની ધારદાર દોરીમાં ઘાયલ 7 નિર્દોષ પક્ષીઓને બચાવી લેવાયા હતા. પક્ષીઓની રક્ષા સાથે સાચી મકરસંક્રાંતિની ઉજવણી કરાય તેવી ભાવના સાથે કરુણા અભિયાન 2023 શરૂ કરાયું હતું. નિર્દોષ પક્ષીઓને સારી સારવાર મળે તે માટે તંત્રએ તૈયારીઓ કરી હતી. સામાજિક વનીકરણ વિભાગ નવસારી રેન્જ ગણદેવી કરુણા અભિયાને બીલીમોરાથી 6 કબૂતર, અમલસાડ પાસેથી ફ્લેમિંગો પતંગના દોરાથી ઘાયલ મળી આવ્યા હતા. જેને વનવિભાગ સ્ટાફ તેમજ વાઈલ્ડ લાઈફ વેલફેર ફાઉન્ડેશન નવસારી હિમલ મહેતાની ટીમ દ્વારા બચાવી લેવાયા હતા. ડો.દીપ પટેલે કરુણા એમ્બ્યુલન્સ ફરતા દવાખાનામાં સારવાર આપી હતી.
ઉત્તરાયણના બે દિવસમાં વાપીમાં 37 પંખી પતંગની ધારદાર દોરીથી ઘવાયા
વાપી : ઉતરાયણ દરમિયાન ઘાયલ થયેલા પક્ષીઓ માટે રવિવારે વાપી નોટિફાઇડ મંડળ ખાતે કેમ્પ રાખવામાં આવ્યો હતો. આ પ્રાથમિક સારવાર કેમ્પની મુલાકાત ગુજરાત સરકારના કેબિનેટ મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા લેવામાં આવી હતી. કનુભાઈએ આ કેમ્પમાં થતી પંખીઓની સારવાર વિશે જાણકારી મેળવી હતી.કરુણા અભિયાન અંતર્ગત ઘાયલ પંખીઓને મેડિકલ સારવાર ઓપરેશન અને દેખરેખ કરવામાં આવે છે. પંખીઓને ઉડવા લાયક થતા સુધી ડો. નિલેશ રાયચુરાના સેન્ટર હોમ પર રાખવામાં આવે છે. જ્યાં તેઓની સારવાર થાય છે. ગત બે દિવસ દરમિયાન 37 જેટલા પંખીને રેસ્ક્યુ કરીને બચાવવામાં આવ્યા હતા. જેમાં કબૂતર, બગલા, ઘુવડ, કાબર જેવા પંખીઓ તેમજ સાપ અને ખિસકોલી જેવા પ્રાણીઓઓને પણ રેસ્ક્યુ કરીને બચાવાયા હતા.