Business

વર્ણવ્યવસ્થા અને શિક્ષણના અંધકારયુગનો દીપકજ્યોતિબા ફૂલે

ધ્ધિ અને વર્ણ (રંગ)ના પ્રભાવ વડે કોઈને ગુલામ બનાવવા, છેતરવા, તેઓનું શોષણ કરવું તે બુધ્ધિ નથી પણ દુર્બુદ્ધિ છે અને શ્વેત રંગની આડશમાં આચરેલું કાળું કર્મ છે. અમેરિકામાં આજે પણ અશ્વેતો સાથે મોટા પાયે ભેદભાવ થાય છે જેમાં અશ્વેતોને નાની ચોરીના ગુના બદલ શ્વેત પોલીસ દ્વારા ગોળી મારી દેવાય છે કે પછી પગ વડે ગળું દબાવી દેવાય છે. અશ્વેતોને ગુલામીમાંથી મુક્તી આપવા બદલ અબ્રાહમ લિંકન મહાત્મા ગણાવા જોઈએ. ખરી બુધ્ધિ એ છે કે આપણાથી ઓછી બુદ્ધિ ધરાવતા લોકોની બુદ્ધિ અને સુખાકારીમાં વૃદ્ધિ માટે પ્રયત્નો કરવા. ખરો ઊજળો રંગ એ છે જે રંગને નહી, માણસાઈને મહત્ત્વ આપે.
બુધ્ધિ અને રંગ વડે ભારતમાં ચાતુરવર્ણ નામની એક વ્યવસ્થા સ્થાપિત થઈ. ધીરે ધીરે તે એટલી હદે વિકરાળ બની કે એક વર્ગ પાસેથી આખા સમાજ માટે અનિવાર્ય એવું, સ્વચ્છતાનું કામ લેવામાં આવ્યું. હજારો વરસ લેવામાં આવ્યું. છતાં એ વર્ગને સમાજ માટે અનિવાર્ય સમજવામાં ન આવ્યો. સમાજના દરેક અંગો, સભ્યતા, સંસ્કૃતિ, તહેવારો, રિતરિવાજો, મંદિર, કૂવા, નદીથી તેઓને અળગા રખાયા. સવારમાં તેઓનું મોં જોવુ તે અપશૂકન ગણાયું. જેટલી ભયંકર અમેરિકાની ગુલામ વ્યવસ્થા હતી, એટલી જ, કદાચ તેનાથી વિશેષ વિકરાળ ભારતની વર્ણ વ્યવસ્થા હતી. ત્યાં સુધી કે મો.ક. ગાંધી પણ આ વ્યવસ્થા ટકાવી રાખવા માગતા હતા અને તો પણ મહાત્મા કહેવાયા. ગાંધીને એમની કુટિલ રાજનીતિ ચમકાવવામાં વધુ રસ હતો. દસબાર વરસ અગાઉ સોનિયા ગાંધી બેક સીટ ડ્રાઈવિંગ કરતા હતા એ રીતે મોહનદાસ ગાંધી પણ કરતા હતા. અન્યથા જવાહર લાલ નેહરૂને એક પણ મત મળ્યો ન હતો છતાં ગાંધીએ વડા પ્રધાન તરીકે સિલેક્ટ કર્યા તે ન કર્યા હોત.
પરંતુ તો પછી દલીતો, શુદ્રો અને અતિશુદ્રોના ઉધ્ધારક મહાત્મા ભારતમાં કોને ગણાવી શકાય? સ્વાભાવિક પણે ડો. ભીમરાવ આંબેડકરને મહાત્મા ગણી શકાય. એમણે એક એવો માર્ગ સ્વીકાર્યો જે હિન્દુ સંસ્કૃતિમાં સહજપણે સંમ્મિલિત થઈ જાય અને દેશની સ્વીકાર્ય સભ્યતા અને સંસ્કૃતિ પણ જળવાઈ રહે. એમણે એવા ધર્મને માન્યતા ન આપી જે બીજા ધર્મોને તિરસ્કારથી જૂએ. આ કામ આસાન ન હતું. ભારતનું રાજ બંધારણ ઘડવું તે પણ એક ભગિરથ કામ હતું. માટે એમને મહાત્મા ગણીએ તો તે લેખે છે. એ જ રીતે મહારાષ્ટ્રમાં શુદ્રો અને અતિશુદ્રો માટે લડનારા જ્યોતિબા ફૂલે હતા. એમને મહાત્મા તરીકે સંબોધવામાં આવે છે જે યથાયોગ્ય છે.
ભારતમાં ઊંચ-નીચના ભેદ મટાડવા માટે આઝાદીના 77 (સિત્યોત્તેર) વરસ પછી પણ ઘણું કરવાનું બાકી રહે છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ પ્રયાગરાજ ખાતે દલિતોના પગ ધોઈને એક ઉત્તમ ઉદાહરણ પૂરુ પાડ્યું છે. છતાં દલિતોના ઉધ્ધારની વાત પછી આવે છે. પ્રથમ તો સમાજ વ્યવસ્થા અને ખાસ કરીને ગ્રામીણ સમાજ વ્યવસ્થામાં તેઓની સ્વીકૃતિને સંપૂર્ણ બનાવવાની જરૂર છે. દેશની કઠણાઈ એ છે કે સત્તાપ્રાપ્તિ માટે રાહુલ ગાંધી, લાલુ યાદવ વગેરે ફરીથી જ્ઞાતિવાદના શરણે ગયા છે.
‘માત્ર ગુલામો જ સમજી શકે કે ગુલામ હોવુ તે કઈ બલા છે? અને ગુલામીની ઝંઝીરોમાંથી મુક્ત થવાનો આનંદ માત્ર ગુલામો જ અનુભવી શકે.’ આ વાક્યો મહાત્મા જ્યોતિ બા ફૂલેનાં છે. એમણે લખ્યુ છે કે, ‘ભારતના દલિતો, પદદલિતો અને અમેરિકાના ગુલામો વચ્ચે ફરક એ છે કે અમેરિકાના અશ્વેતોને પકડીને વેચી દેવામાં આવતા હતા, જ્યારે શુદ્રો અને અતિશુદ્રો પર ભટ અને બ્રાહ્મણો દ્વારા વિજય મેળવીને તેઓને ગુલામ બનાવવામાં આવતા હતા.’ આ લખાઈ રહ્યું છે ત્યારે, 11 એપ્રિલના રોજ જ્યોતિ બા ફૂલેનો જન્મદિવસ છે. પૂણેમાં એક માળી જ્ઞાતિમાં 1827માં એમનો જન્મ થયો હતો. એ એકવીસ વરસના હતા ત્યારે એ એક બ્રાહ્મણ મિત્રના લગ્નમાં ગયા હતા. એ માળી હોવાને કારણે વરરાજાના બ્રાહ્મણ સગાએ એમનું ‘નીચલી જાતિ’ તરીકે અપમાન કર્યું હતું, કડવા શબ્દો કહ્યા હતા. એ લગ્ન સમારંભ છોડીને જ્યોતિરાવ ફૂલે જતાં રહ્યાં હતાં. પરંતુ એ બાબતે એમણે જ્ઞાતિ વ્યવસ્થા તોડવાનો નિર્ધાર કર્યો. એમને સમજાયું હતું કે વર્ણ વ્યવસ્થા દ્વારા અમુક જાતિઓને નીચી ગણાવીને તેઓનું દમન અને શોષણ થાય છે. એમણે અર્થોપાર્જન માટે બિઝનેસ ચાલુ કર્યો અને તેમાંથી જે કમાણી થતી તે સમાજના વિકાસ માટે ખર્ચી નાખતા હતાં.
સિન્થિયા ફરાર નામના એક મિશનરી દ્વારા અહમદનગર ખાતે ચલાવવામાં આવતી એક મિશનરી સ્કૂલની મુલાકાતે એ ગયા. લેખક પ્રથમેશ ખેરના લખાણ મુજબ જ્યોતિબાએ લેખક થોમસ પાઈનેનું ‘એજ ઓફ રીઝન’ શિર્ષકનું પુસ્તક વાંચ્યુ. જ્યોતિબા પોતે પુણેની સ્કોટિશ મિશન હાઈસ્કૂલમાં ભણ્યા હતા. ખ્રિસ્તી ધર્મની રૂઢીચુસ્તતા સામે થોમસ પાઈને એ સવાલો કર્યા હતા અને એજ રીતે હિન્દુ ધર્મની જડતા સામે જ્યોતિબાએ સવાલો કર્યા. એમણે 1869માં ‘બ્રાહ્મણાએ કસબ’, ‘શેતકરયાંચા અસુદ (1883) અને તૃતિય રત્ન (1855)માં પુસ્તકો લખ્યાં હતા. જ્યોતિબાની યુવાનીના સમયમાં અમેરિકામાં ગુલામગીરી કાયદેસર હતી. 1865માં તેનો અંત આવ્યો હતો. જ્યોતિબાના મુખ્ય સિધ્ધાંતો સત્યનિષ્ઠા, માનવતા, શિક્ષણ અને સમાજોધ્ધારના રહ્યાં હતાં. ખ્રિસ્તી ધર્મ અને ગુલામી પ્રથા સામે પ્રશ્નો પૂછાઈ રહ્યા હતા ત્યારે એમણે ભારતમાં દલિતો માટે એ જ્યોતિ જલાવી હતી.
વરસ 1848, જ્યારે એમનો તિરસ્કાર થયો, એ જ વરસમાં એમણે કન્યાઓ માટેની એક શાળા ખોલી. ત્યાર પછીના ત્રણ વરસમાં એમણે વધુ અઢાર કન્યાશાળાઓ ખોલી. પત્ની સાવીત્રિબાઈ ફૂલેનો જ્યોતિબાને પૂરેપૂરો સાથ હતો. આથી સાવીત્રિબાઈ ફૂલે પણ આજે દેશમાં અને મહારાષ્ટ્રમાં પરમ આદરણીય ગણાય છે. વરસ 1855માં કામદારો, ખેડૂતો અને કામ કરતી સ્ત્રીઓને શિક્ષણ આપવા એમણે પૂણે ખાતે એક રાત્રિશાળા શરૂ કરી. આ લોકો દિવસે કામમાં વ્યસ્ત રહેતા હોવાથી રાત્રિ શાળાનો લાભ લઈ શકે.
જયોતિબા ફૂલેને સમભાવની આ પ્રવૃત્તિઓમાં ઝડપભેર સફળતા મળી રહી હતી, પરંતુ ત્યારના અમુક બ્રાહ્મણોએ એમનો વિરોધ કર્યો હત. જયોતિબાએ જીવનના પાછળનાં વારસોમાં એ લોકોની સામે અભિયાન ચલાવ્યું. 1890ના નવેમ્બરમાં એમનું મૃત્યુ થયું તે અગાઉના વરસોમાં એમણે સર્વપ્રથમ વિષ્ણુશાસ્ત્રી ચિપલૂણકર અને બાદમાં શાસ્ત્રીના શિષ્ય બાળ ગંગાધર તિલકની માન્યતાઓનો છેદ ઊડાડયો. ફૂલે માનતા હતા કે અસ્પૃશ્યો અને શોષિતની મુક્તિ માટે અને સ્ત્રીઓને સમાન ગણવાના કામમાં બ્રિટિશ સરકારની હાજરી જરૂરી છે. જયારે તિલક તેમજ અન્ય રાષ્ટ્રવાદીઓ એમ માનતા હતા કે હિન્દુ ધર્મની જે પાયાની, બુનિયાદી રચના છે તેને બ્રિટિશરો તોડવા માગે છે અને તે માટે તેઓએ ભારત પર કબજો જમાવ્યો છે. અહીં બે જરૂરી અને સારા મુદ્દાની, આજે થાય છે તેમ ત્યારે પણ ભેળસેળ કરવામાં આવી છે. ખૂદ અંગ્રેજો પણ શોષણખોર હતા. વાસ્તવમાં માણસ જે કોઇ ધર્મ, જ્ઞાતિ અથવા ભૌગોલિક પ્રદેશનો હોય, હાથમાં સત્તા આવે ત્યારે શોષણ કરે જ છે. અંગ્રેજોથી દેશને મુક્તિ મેળવવી જરૂરી હતી, તેમ કુપ્રથાઓથી મુક્તિ મેળવી જરૂરી હતી અને આજે પણ છે. અંગ્રેજો આવ્યા પછી ઘણી કુપ્રથાઓનો ત્યાગ કરવાનો અને નવા વિચારોને અપનાવવાની હિન્દુ ધર્મને ફરજ પડી છે. જેમ કે સતિ પ્રથા, આજે એ સ્થિતિ છે કે જે કંઇ સારું છે તે હિન્દુ ધર્મ આપોઆપ સ્વીકારી રહ્યો છે અને આપોઆપ સમય પ્રમાણે સુધારાઓ થઇ રહ્યા છે.
જયોતિબા પોતે ખૂબ પ્રેમળ હતા અને તેથી સમતાવાદી હતા. જયારે તિલક તેમજ ગોપાળ ગણેશ આગરકરને મુંબઇની ડોંગરીની જેલમાં અંગ્રેજ શાસને પૂરી દીધા હતાં ત્યારે વિવેક દાખવીને જયોતિબાએ એ બન્નેને જેલમાંથી છોડાવ્યા હતા. જયોતિબાના સમયમાં જ ઉચ્ચ જ્ઞાતિઓએ સુધારાવાદી વલણો સ્વીકાર્યા હતા, પણ અમુક સુધારા માત્ર નામના હતા. પ્રાર્થના સમાજ, આર્ય સમાજ, બ્રહ્મો સમાજ જેવી સુધારાવાદી મુવમેન્ટસ શરૂ થઇ હતી.
વરસ 1857ના બળવાને ત્યારના અંગ્રેજોની માલિકીના ધ બોમ્બ ટાઇમ્સ દ્વારા ભયંકર રાષ્ટ્રીય વિદ્રોહ ગણાવવામાં આવ્યો હતો. બીજી તરફ જયોતિબાએ આ બળવાને દેશના અને ખાસ કરીને પેશવાઓના ધર્મતંત્રો સામેનો સિપાઈઓનો વિદ્રોહ ગણાવ્યો હતો. આવા આકતરી પ્રકારે જયોતિબા અંગ્રેજોની સાથે રહ્યા હતા. એમને ડર હતો ભારતમાં ફરી વખત રાજા રજવાડાંઓ મજબૂત થઇ જશે અને અંગ્રેજો નબળા પડશે તો દલિતો વગેરેની હાલત ફરીથી ઠેરની ઠેર થઇ જશે. તેઓને ધર્મના નામે ફરીથી કચડવામાં આવશે. રૂઢીચુસ્ત ભદ્ર સમાજ ફરીથી દલિત, પીડિતો, શોષિતો પર સવાર થઇ જશે. એમની આ ચિંતા સાચી હતી.
મહાત્મા ફૂલેને એ પણ સમજાયું હતું કે નીચલી સપાટીએ જીવનનાં વર્ણો, જ્ઞાતિઓ અને ગરીબોને ગુલીમીની બેડીઓમાંથી છોડાવવા હોય તો તેઓને આર્થિક રીતે સબળ બનાવવા જરૂરી છે અને તે માટે શિક્ષણ જરૂરી છે. એમણે શાળાઓમાં ગરીબ વિદ્યાર્થી, વિદ્યાર્થીનીઓને અનેક પ્રકારે પ્રોત્સાહનો આપવાની શરૂઆત કરી, જેથી તેઓમાં અભ્યાસ પ્રત્યે રુચિ જાગે. એ કહેતા કે કમ સે કમ, સંતાનો બાર વરસના થાય ત્યાં સુધી તેઓને ફરજિયાત શિક્ષણ આપવું જોઇએ* ત્યાર પછીનો વરસોમાં ગાયકવાડ જેવા ઘણા પ્રગતિશીલ રાજ્યોએ કન્યાઓ સહિત શિક્ષણને ફરજિયાત બનાવ્યું હતું. પાણીનો સંગ્રહ કરવાના, ગાયો અને બળદોનું રક્ષણ કરવાના એમના વિચારો આજે સાંપ્રત છે પણ આ લખનાર માને છે કે હવેના યાંત્રિક યુગમાં બળદોને મુક્તિ મળવી જોઈએ. બળદો પાસે મહામહેનતના તનતોડના કામો કરાવવા તે એક અત્યાચાર છે. તેઓને ખૂંટમાંથી બળદો બનાવવા માટે દવા વગર વૃષણો કાપવાં, નાકના હાડકામાં ધારદાર આસ્ત્રોથી કાણાં પાડવા તે પણ એક મોટો શારિરીક ત્રાસ છે. જો કે એ દિવસોમાં અમુક જાગૃતિ કે વિચારો દરેકનાં માનસમાં ઊતર્યા ન હતા. અનેક બાબતોમાં જયોતિબા અંગ્રેજોની તરફેણ કરતાં પણ તેમાં માનવતાને, વ્યક્તિગત વિચારોને પ્રાધાન્ય આપતા. પંડિતા રમાબાઈએ ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો ત્યારે હિન્દુ સમાજમાંથી માત્ર એક જ વ્યક્તિ, જયોતિબા ફૂલેએ રમાબાઈનો બચાવ કર્યો હતો. જંગલો બચાવવા, પર્યાવરણની રક્ષા માટે વિચારો એમણે આજથી 150 થી 160 વરસ અગાઉ રજૂ કર્યા હતા. હિન્દુ ધર્માન્ધતાના વિરોધી બન્યા એ માટેનો
યશ એ બાળપણના મુસ્લિમ મિત્રો અને ખ્રિસ્તી મીશનરીઓને આપે છે. જયોતિબા ફૂલે કદાચ એ હકીકતોથી વાકેફ નહીં હોય કે દરેક ધર્મોમાં રૂઢિવાદ અને જડતા ઘર કરી ગયા છે. સ્થાપિત ધર્મોમાં કાળક્રમે સુધારા અપનાવવામાં ન આવે તો તે શોષણ અને શાસન માટેનાં હથિયારો બની જાય છે. જયોતિબાના સમયમાં હતી તેના કરતાં આજે દુનિયા વધુ શિક્ષિત બની છે અને સાર-અસાર વધુ સમજે છે, છતાં જડ અનુયાયીઓનો એક મોટો વર્ગ હોય છે જેઓ આજે પણ જાણતાં નથી કે તેઓનું શોષણ થઇ રહ્યું છે. એમણે અમુક ધર્મની પ્રશસ્તી કરી હતી પરંતુ જયોતિબાના ધર્મો અને ધર્મધૂરંધરો વિશેના વિચારોમાં વિરોધાભાસ જોવા મળતો હતો.એ એમ પણ કહેતા કે કોઇ ધર્મ સત્ય જાણતો નથી અને તેથી માણસોની ભલાઈમાં પરિણમતા નથી. ઘણી વખત ધર્મના લોકો અલગ અલગ ચોકા માંડીને આપસમાં લડવા માંડે છે. એ કોઈ ધર્મની સર્વોપરિતા કે વિતંડાવાદમાં માનતા નહીં. પુસ્તક ‘સતસાર’માં એ લખે કે છે કે આ પૃથ્વી, સૂર્ય અને બ્રહ્માંડની રચના એક તત્વ દ્વારા થઇ છે. સર્જનહારે દુનિયાના તમામ મનુષ્યોને એક સરખા બનાવ્યા છે તો અમુક લોકો પેઢી દર પેઢી પવિત્ર શા માટે ગણાય ?
જયોતિબા ફૂલે એમના વિચારોમાં ખૂબ તાર્કિક હતા અને એમના સવાલોનો વિરોધ પણ થતો. એ કહેતા કે પુરુષોને હરમ અથવા અનેક સ્ત્રીઓ રાખવાનો અધિકાર મળતો. જો કોઈ સ્ત્રીઓ વાસના સંતોષવા માટે આવા હરમ રાખવા માંડે તો? એ કહેતા અમુક ધર્મો અને લોકો આવાં દૂષણોને જાયજ ગણે છે. પુરુષોને સ્ત્રીઓ કરતાં ઊંચા ગણે છે જે સ્ત્રીઓનું સન્માન કરતા નથી. બહુ પત્નીત્વના એ વિરોધી હતા. એમના અનેક તાર્કિક સવાલોનો જવાબ આજે પણ દુનિયા શોધી રહી છે. પણ જયોતિબાના સવાલો જ જવાબ છે. આજે પણ દુનિયાએ એમની પાસેથી ઘણું શિખવાનું છે.

Most Popular

To Top