સ્કૂલ વર્ધી મારતા રિક્ષા ચાલકનો વીડિયો વાયરલ :
રીક્ષા ચાલકે ક્ષમતા કરતાં ત્રણ ગણા વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યા :
( પ્રતિનિધિ ) વડોદરા તા.30
હરણી દુર્ઘટના બાદ પણ હજી તંત્ર નીતિ નિયમોનું પાલન કરાવવા બેજવાબદાર જોવા મળ્યું છે. એક સ્કૂલ વર્ધી મારતા રિક્ષા ચાલકે વધુ રૂપિયા કમાવાની લ્હાયમાં બાળકોના જીવ જોખમમાં મૂકી દીધા છે. જેનો વીડિયો હાલ વાયરલ થયો છે.
વડોદરા શહેરમાં ટ્રાફિક પોલીસ અને આરટીઓના નિયમોની અવગણના થઈ રહી હોય તેમ લાગી રહ્યું છે શહેરમાં એક સ્કૂલ ભરતી રીક્ષા ચાલક નો વિડીયો વાયરલ થયો છે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તાંદલજા વિસ્તારમાં સ્કૂલ વર્ધીમાં ચાલતી રીક્ષા ચાલકની બેદરકારી છતી થઈ છે. રીક્ષા ચાલકે ક્ષમતા કરતાં ત્રણ ગણા વિદ્યાર્થીઓને રિક્ષામાં બેસાડ્યા છે અહીં રિક્ષામાં જગ્યા નહીં હોવાથી બાળકો રીક્ષાની બહાર પણ લટકી રહ્યા છે.
કોઈ અકસ્માત બને તો જવાબદારી કોની તેવા વેધક સવાલો પણ ઉઠ્યા છે. વાલીઓ પણ પોતાના સ્વાર્થ ખાતર વાહનમાં કેટલા લોકોને બેસાડ્યા તેનું ધ્યાન રાખતા નથી. ત્યારે આવા સ્કૂલ વર્ધી ચાલકો સામે પગલાં ભરવા માંગ ઉઠી છે.