NSUનું ફરી વિરોધ પ્રદર્શન,કોમર્સની બાકી રહેલી બેઠકો જાહેર કરવા માંગ
ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો ખરાબ કેટલીક બેઠકો ખાલી હોવા છતાં પણ ભરવામાં નહીં આવતી હોવાના આક્ષેપ :
( પ્રતિનિધિ ) ,વડોદરા.તા.29
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે આજના સત્તાધીશો દ્વારા રમત રમાતી હોય તેમ લાગી રહ્યું છે. એક તરફ દેશના ભવિષ્યની વાતો કરવામાં આવતી હોય તો બીજી તરફ વિશ્વવિખ્યાત વડોદરાની એમએસ યુનિવર્સિટીમાં જ વિદ્યાર્થીઓને પ્રવેશ માટે વલખા મારવા પડી રહ્યા છે. ત્યારે, કોમર્સમાં બાકી રહેલી બેઠકો ભરવાની માંગણી સાથે વિદ્યાર્થી સંગઠન એન એસ યુ આઈના વિદ્યાર્થી અગ્રણીઓ દ્વારા ઉગ્ર વિરોધ સાથે કોમર્સ ફેકલ્ટી ડીનને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી.
GCAS દ્વારા રાઉન્ડ 3ની આજથી શરૂઆત થઇ ગઈ છે. જેમાં આ રાઉન્ડ 29,30 અને 31 સુધી ચાલશે અને વિદ્યાર્થીઓ તેઓનું રેજીસ્ટ્રેશન કરાવી શકશે. એમ.એસ.યુનિવર્સિટીની બધી ફેકલ્ટીમાં બાકી રહેલી બેઠકોની જાણ કરવામાં આવી છે. જેમાં યુનિવર્સિટીની આર્ટસ, સાયન્સ, હોમ સાયન્સ, પર્ફોર્મિંગ આર્ટસ તેમજ યુનિવર્સિટીની અન્ય ફેકલ્ટીઓ દ્વારા બાકી રહેલી બેઠકો જાહેર કરવામાં આવી છે. પરંતુ કોમર્સ ફેકલ્ટી દ્વારા કોઈ પણ પ્રકારની માહિતી બહાર પાડવામાં આવી નથી. તેમજ આપ દ્વારા કોમર્સની જયારે 4 થી મેરીટ લિસ્ટ બહાર પાડવામાં આવી હતી ત્યારે તે મેરીટ લિસ્ટમાં 400 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો, તેમાંથી ફક્ત 200 જેવા વિદ્યાર્થીઓ જ વેરિફિકેશન માટે આવ્યા હતા.
હજુ પણ 200 બેઠકો કૉમર્સ ફેકલ્ટી માટે ખાલી પડેલી છે. જયારે બીજી બાજુ આજરોજ 12 માં ના રિપીટર વિદ્યાર્થીઓનું પરિણામ આજે જાહેર થયું છે, તો એ વિદ્યાર્થીઓ કઈ રીતે પોતાનું રેજીસ્ટ્રેશન કરાવશે ? તેથી બાકી રહેલી બેઠકો તાત્કાલિક જાહેર કરવમાં આવે જેથી કોમર્સમાં એડમિશન લેવા ઇચ્છતા વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાં પ્રવેશ મળી શકે તેવી માંગણી સાથે NSUIના તેજસ રોય, હિત પ્રજાપતિ , આતીફ મલેક સહિત વિદ્યાર્થીઓએ કોમર્સ ફેકલ્ટીની મેઈન બિલ્ડીંગ ખાતે વિરોધ દર્શાવી ફેકલ્ટી ડીનને રજૂઆત કરી હતી.