એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં એક પણ સભ્યે લોકલ વિદ્યાર્થીના હિત માટે અવાજ નહિ ઉઠાવ્યો :
AGSU વિદ્યાર્થી સંગઠન દ્વારા ઉગ્ર સુત્રોચાર સાથે હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર આપ્યું :
એમએસ યુનિવર્સિટીમાં અગાઉ પ્રવેશ માટે શહેર જિલ્લાના વિદ્યાર્થીઓને પ્રાથમિકતા આપવામાં આવતી હતી. જો કે હવે સ્થાનિક વિદ્યાર્થીઓના ક્વોટાને ઘટાડવા અંગેના નિર્ણયને લીલી ઝંડી મળી ગઈ હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે આ નિર્ણયથી ખાનગી કોલેજોને હવે ઘી કેળા થશે. ત્યારે આ મામલે એજીએસયુ વિદ્યાર્થી સંગઠનના અગ્રણી વિદ્યાર્થીઓએ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં શહેર અને જિલ્લાના વિદ્યાર્થીઓને અગાઉ પ્રવેશમાં પ્રાથમિકતા મળતી હતી. જોકે હવે આ વર્ષે લોકલ વિદ્યાર્થીઓની બેઠકના ક્વોટાને ઘટાડવા માટે એક્ઝિક્યુટિવ કાઉન્સિલની બેઠકમાં દરખાસ્ત મુકવામાં આવી હતી. આખરે આ વિવાદિત દરખાસ્તને એક્ઝિક્યુટિવ કાઉન્સિલે સર્વાનુમતે લીલી ઝંડી આપી હોવાનું જાણવા મળ્યું છે. આ બેઠકમાં એક પણ સભ્યએ લોકલ વિદ્યાર્થીઓના હિત માટે અવાજ ઉઠાવ્યો ન હતો. યુનિવર્સિટીના સત્તાધીશોના આ નિર્ણયથી હવે યુનિવર્સિટીમાં શહેર જિલ્લાની બેઠકનો ક્વોટા ઘટાડીને 50% કરાયો છે. જે પહેલા 70% હતો. જોકે આ વિવાદિત નિર્ણયને નોટિફાઈ કરવાની ઔપચારિકતા પેન્ડિંગ છે. આ નિર્ણયનો નવા શૈક્ષણિક વર્ષમાં અમલ થશે. જેની સૌથી વધુ અસર કોમર્સ ફેકલ્ટીમાં પ્રવેશ મેળવનારા લોકલ વિદ્યાર્થીઓને થશે. કારણ કે દર વર્ષે એફવાય બીકોમમાં પ્રવેશ મેળવવા માટે અરજી કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા આર્ટસ અને સાયન્સની સરખામણીમાં વધુ હોય છે. કોમર્સમાં લોકલ વિદ્યાર્થીઓને પ્રવેશ મુદ્દે આગામી દિવસોમાં વિવાદ થવાની શક્યતા છે. પ્રવેશની સંખ્યા પર કાપ મુકાતા હવે ખાનગી યુનિવર્સિટી અથવા કોલેજમાં એડમિશન લેવું પડશે. જેને પગલે ઓલ ગુજરાત સ્ટુડન્ટ યુનિયન વિદ્યાર્થી સંગઠન દ્વારા યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ નોંધાવ્યો હતો અને વીસીને સંબોધન કરતું આવેદનપત્ર પીઆરઓને આપવામાં આવ્યું હતું. જોકે વિદ્યાર્થી સંગઠનના આગેવાન કાર્યકરો યુનિવર્સિટીની હેડ ઓફિસ પહોંચે તે પહેલા જ સ્થાનિક પોલીસને બોલાવી લેવાતા વિદ્યાર્થી આગેવાનોએ આ સંદર્ભે પણ આક્રોશ વ્યક્ત કર્યો હતો.
યુનિવર્સિટીના સત્તાધિશો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. :
મહારાજા સરસયાજીરાવ ગાયકવાડ દ્વારા વડોદરા શહેરમાં એમ.એસ. યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી તેનો હેતુ એક જ હતો કે વડોદરા શહેર અને જિલ્લાના સ્થાનિક વિદ્યાર્થીઓ છે. જે ધોરણ 12 પાસ કરે તે તમામ વિદ્યાર્થીઓ જ્યારે ડિગ્રી કોર્સ કરવા માટે યુનિવર્સિટીમાં પ્રવેશ મેળવવા માંગે તેવા તમામ વિદ્યાર્થીઓને અહીંયા પ્રવેશ મળે તે હેતુથી આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. પરંતુ જે રીતે હાલના યુનિવર્સિટીના સત્તાધિશો પોતાની મનમાની ચલાવી રહ્યા છે. સીટો ઓછી કરવામાં આવી રહી છે અને આ વર્ષે એવું પણ જાણવા મળ્યું છે કે કોમન એક્ટની અંદર માત્ર 50% જેટલા વિદ્યાર્થીઓ જેવો સ્થાનિક કક્ષાના હશે તેમને એડમિશન આપવામાં આવશે. જો સ્થાનિક કક્ષાના વિદ્યાર્થીઓ માટે કોઈ પ્રકારનો કાપ મૂકવામાં આવશે તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન યુનિવર્સિટીમાં કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી યુનિવર્સિટીની રહેશે. : પંકજ જયસ્વાલ, એફઆર, કોમર્સ ફેકલ્ટી