Vadodara

વડોદરા : MSUમાં વૃક્ષોનું નિકંદન, રાતોરાત લાકડા સગેવગે કરતા વિવાદ

આર્ટ્સ ફેકલ્ટી ખાતે 15 વૃક્ષ કાપી માટી નાખી જમીન સમથળ કરાઈ

લાકડા ચોરવાના એક મોટા કાવતરાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિદ્યાર્થીઓમાં ચર્ચા

( પ્રતિનિધિ ) વડોદરા તા.30

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં રાતોરાત 15 જેટલા વિશાળ વૃક્ષ કાપી નાખી તેના લાકડા પણ સગેવગે કરી જમીન સમથળ કરી લાકડા ચોરવાના એક મોટા કાવતરાને અંજામ આપવામાં આવ્યો હોવાની વિદ્યાર્થીઓમાં ચર્ચાઓએ જોર પકડ્યું હતું.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીમાં પ્રેમાનંદ હોલની બહાર ચાર જેટલા વિશાળ વૃક્ષ હતા. જેમાં એક બોરડીનો પણ સમાવેશ થતો હતો. આ ઉપરાંત આર્ટસ ફેકલ્ટી કેમ્પસની અંદર આઠ થી નવ જેટલા વિવિધ વિશાળ વૃક્ષો હતા. આ વૃક્ષોના છાંયડામાં વિદ્યાર્થીઓ બેસતા હતા. અને પોતાના વાહનો પાર્ક કરતા હતા. પરંતુ ગતરાત્રે એકાએક 15 જેટલા વિશાળ વૃક્ષ જમીનના ભાગેથી કાપી લાકડાઓ સગેવગે કરી કપાયેલા વૃક્ષના થડ પર માટી નાખી જમીન સમથળ કરી નાખવામાં આવી હતી. આજે સવારે આર્ટસ ફેકલ્ટીમાં વિદ્યાર્થીઓ આવતા તેઓને વૃક્ષો નહીં દેખાતા વિદ્યાર્થીઓમાં ભારે આશ્ચર્ય ફેલાયું હતું. જે સંદર્ભે કેટલાક વિદ્યાર્થી આગેવાનોએ ફેકલ્ટી ડીનનો સંપર્ક કર્યો હતો. જેમાં આ અંગે ડીને પોતે કશું જાણતા નહીં હોવાનું રટણ ચલાવ્યું હતું. એક બાજુ વિવિધ સરકારી અને ખાનગી સંસ્થાઓ વૃક્ષ બચાવો પર્યાવરણ બચાવોના નારા લગાવે છે. તેમાં યુનિવર્સિટી કેમ્પસમાં કોઈ ચંદન ચોર નહીં પરંતુ લાકડા ચોરનારી વ્યવસ્થિત ગેંગ સક્રિય બની હોય તેવું લાગી રહ્યું છે. જોકે યુનિવર્સિટી કેમ્પસમાં કોઈપણ ગેંગ આટલા મોટા કૃત્યને અંજામ આપી શકે તેવી કોઈ શક્યતા નથી. જેથી યુનિવર્સિટી કે ફેકલ્ટીના સત્તાધીશો આ કાવતરાથી પૂરેપૂરા વાકેફ હોવાની વિદ્યાર્થીઓને વધુ શંકા છે.

વિદ્યાર્થિની દિયા શાહે જણાવ્યું હતું કે MSUની આર્ટસ ફેકલ્ટીમાં રાતોરાત ઝાડ કપાઈ ગયા છે. અમે ડીન ઓફિસમાં ગયા ત્યારે એવું કહેવામાં આવ્યું કે અમને નથી ખબર. અમે કોન્ટ્રાકટરને પૂછ્યું તો તેણે પણ અમને ખબર નથી તેવો જવાબ આપ્યો. આમથી તેમ ખો રમાડ્યા કરે છે. ઝાડ તો કપાઈ ગયા અને સાથે રાતોરાત લાકડા પણ હટાવી દીધા. ઝાડ કાપ્યા બાદ તેની પર માટી પથરાઈ ગઈ , આવી ફૂલ ઉનાળાની ગરમીમાં આર્ટ્સ ફેકલ્ટીમાં બેસવા માટે જગ્યા નથી. હવે વિદ્યાર્થીઓ બેસસે ક્યાં ?

વિદ્યાર્થી આગેવાન હર્ષલે જણાવ્યું હતું કે કુલ 12 ઝાડ કાપવામાં આવ્યા છે. જે આજથી 14 વર્ષ પહેલાં ઉગાડવામાં આવ્યા હતા. જેની પાછળ વિદ્યાર્થીઓની ખૂબ મહેનત હતી. કોઈ પાણી નાખવા માટે આવતું ન હતું. વૃક્ષોને માત્ર વિદ્યાર્થીઓએ પાણી આપતા હતા. એ પણ એક જીવ જ છે. ડીને પણ આ બાબતે ફેરવી તોડ્યું કશી ખબર નથી. કોન્ટ્રાક્ટરે પણ ના પાડી, તેણે અમને એન્જીનિયર ડિપાર્ટમેન્ટમાં ફોન કરીને આપ્યો એમને પણ ખબર નથી. એટલે એકબીજાની ઉપર ખો આપી રહ્યા છે. એન્જીનિયર અહીં આવવાનું નામ નથી લેતો, ડીન સાથે વાત કરી લઈશું. તે કહે છે આ જંગલી ઝાડ છે. પરંતુ અત્યાર સુધી ફેકલ્ટીમાં એક પણ ઝાડ જંગલી નથી. વૃક્ષ સાફ કરી નાખ્યા છે. પીએમ કહે છે વૃક્ષ વાવો પણ અહીં તો વૃક્ષ કાપવામાં આવી રહ્યા છે. જે વૃક્ષ કાપવામાં આવ્યા છે એની માટે અમને લેખિત પુરાવો પરવાનગીનો રજૂ કરે નહીં તો કડક એક્શન લેવામાં આવશે.

Most Popular

To Top