Vadodara

વડોદરા : MSUમાં મહિલા પ્રોફેસરે પરીક્ષામાં 15 મિનિટ પહેલા 5 વિદ્યાર્થીના પેપર ખેંચી લેતા વિવાદ

વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી ડીન સમક્ષ કરી ઉગ્ર રજૂઆત :

વિદ્યાર્થીઓને તેમના નામ પૂછી જાતિ વિષયક અપમાન કરવામાં આવ્યું હોવાના આક્ષેપ :

( પ્રતિનિધિ )વડોદરા,તા.27

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ચાલુ પરીક્ષા દરમિયાન એક મહિલા પ્રોફેસરે પરીક્ષા પૂરો થવામાં 15 મિનિટ બાકી હોવા છતાં પાંચ જેટલા વિદ્યાર્થીઓના પેપરો ખેંચી લેતા વિદ્યાર્થીઓએ ભારે હોબાળો મચાવ્યો હતો.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હાલ વિવિધ વર્ષના વિદ્યાર્થીઓની ઇન્ટર્નલ પરીક્ષા ચાલી રહી છે. જેમાં ત્રીજા વર્ષના વિદ્યાર્થીઓની સેમેસ્ટર 6ની પણ ઇન્ટર્નલ પરીક્ષા લેવાઈ રહી છે. જેમાં આજે પરીક્ષાના અંતિમ દિવસે પરીક્ષાનો સમય પૂરો થવામાં 15 મિનિટ બાકી હતી. તેમ છતાં પણ એક મહિલા પ્રોફેસરે ચાર જેટલા વિદ્યાર્થીઓ અને એક વિદ્યાર્થીનીની ઉત્તરવહીઓ ખેંચી લેતા વિદ્યાર્થીઓ હેબતાઈ ગયા હતા. જ્યારે વિદ્યાર્થીની તો ધ્રુસકે ધ્રુસકે રડી પડી હતી. સૌથી ચોંકાવનારી બાબત તો એ છે કે વિદ્યાર્થીઓને તેમના નામ પૂછી જાતિ વિષયક અપમાન કરવામાં આવ્યું હતું. એટલું જ નહીં પરંતુ લક્ષેશ સોલંકી નામના એક વિદ્યાર્થી આગેવાનને મહિલા પ્રોફેસર તેનું નામ પૂછ્યું હતું. વિદ્યાર્થી આગેવાને તેનું નામ જણાવતા મહિલા પ્રોફેસરે જવાબ આપ્યો હતો કે તારી તો નીચે બેસીને પેપર આપવું પડે. આમ ચાલુ ક્લાસમાં 70 જેટલા વિદ્યાર્થીઓની સામે મહિલા પ્રોફેસરે વિદ્યાર્થી આગેવાનનું જાતિ વિષયક અપમાન કર્યું હતું. આ સંદર્ભે વિદ્યાર્થીઓએ હોબાળો મચાવી ડીન સમક્ષ રજૂઆત કરતા કોમર્સ ફેકલ્ટીના ડીન જે. કે. પંડ્યાએ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી આગેવાનોની રજૂઆત સાંભળ્યા બાદ મહિલા પ્રોફેસરની તુમાખીનો ભોગ બનેલા વિદ્યાર્થીઓને નુકસાન નહીં થવા દેવાની ખાતરી આપી હતી. જોકે આ મામલે મહિલા પ્રોફેસર નો જવાબ જાણવાનો પ્રયત્ન કરતા મહિલા પ્રોફેસરે સમક્ષ આવવાનું ટાળ્યું હતું.

Most Popular

To Top