હેડ ઓફિસ કમ્પાઉન્ડમાંથી ચંદનના વૃક્ષની ચોરી કરી તસ્કરો પલાયન :
સિક્યુરિટી પાછળ કરવામાં આવતો કરોડોનો ખર્ચ પાણીમાં :
( પ્રતિનિધિ )વડોદરા,તા.12
વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં પુષ્પા ટોળકી ત્રાટકી હતી યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કમ્પાઉન્ડમાંથી લોખંડની જાળીમાં લગાવેલા ચંદનના વૃક્ષની ચોરી થતા સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા છે.
અનેક વિવાદોના વંટોળમાં ઘેરાયેલી રહેતી વિશ્વ વિખ્યાત વડોદરા શહેરની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીમાં ફરી એક વખત સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા છે. સિક્યુરિટીના નાક નીચેથી જ ચંદનના વૃક્ષો ચોરી થયા હોવાની ઘટના બની છે. એમ.એસ. યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે કમ્પાઉન્ડમાંથી ચંદનના 2 વૃક્ષની ચોરી થઈ છે. આ પહેલા પણ એમએસ યુનિવર્સિટીમાં ચંદનના વૃક્ષોની ચોરી થઈ હતી તેવામાં વધુ એક વખત ચંદનના વૃક્ષોની ચોરી થઇ છે.
એમ.એસ.યુનિવર્સિટીના હેડ ઓફિસના કમ્પાઉન્ડમાં ચંદનના ઝાડ બચાવવા માટે લોખંડની જાળી પણ લગાવવામાં આવી છે, તેમ છતાં ચંદન ચોર ટોળકી વૃક્ષોને કાપીને લઈ જાય છે. એક તરફ સિક્યુરિટી પાછળ કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવે છે. ત્યારે ચંદનના વૃક્ષોની થયેલી ચોરીને લઈ સિક્યુરિટી સામે સવાલો ઉઠ્યા છે. હાલ સમગ્ર મામલે યુનિવર્સિટી સત્તાધીશો દ્વારા પોલીસને જાણ કરવામાં આવતા સયાજીગંજ પોલીસે તસ્કરોનો પગેરું મેળવવા તજવીજ હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.