Vadodara

વડોદરા : 10 લાખની ખંડણી માગી રૂ. 7 લાખ પડાવવાના ગુનામાં વોન્ટેડ આરોપી રણોલીથી ઝડપાયો

વડોદરા તા.19
મકરપુરા જીઆઇડીસીમાંથી ભંગારનો સામાન ચોરી કરનાર ટેમ્પા ચાલક પાસે રૂપીયા 10 લાખની ખંડણી માંગી અને રૂપીયા નહિ આપે તો ખોટા કેસમા ફસાવી દેવાની ધમકી આપી બળજબરીપૂર્વક રૂપિયા 7 લાખ પડાવવાના ગુનામાં સંડોવાયેલા આરોપીને શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમે રણોલી વિસ્તારમાંથી ઝડપી પાડ્યો. આરોપીને આગળની કાર્યવાહી માટે માંજલપુર પોલીસને સોંપવામાં આવ્યો છે.

તાજેતરમાં મકરપુરા જીઆઈડીસીની પેરામાઉંટ નામની કંપનીમાથી ભંગારના સામાનની ચોરી કર્યા બાદ ટેમ્પામાં ભરીને વગે કરવા માટે લઈ જવામાં આવ્યો હતો. ત્યારે જે ટેમ્પામાં સમાન ભર્યો હતો તે ટેમ્પાના ચાલકને મીડિયાવાડાએ તારો સામાન ભરેલો ટેમ્પો પકડ્યો તેમ કહીને ચાલક પાસે રૂપિયા 10 લાખની ખંડણી માગી હતી. જો તું રૂપિયા નહીં આપે તમને ખોટા કેસમાં ફસાવી દઈશું તેવી ધમકી આપીને રૂપિયા 7 લાખ પડાવી લીધા હતા. જેથી ટેમ્પા ચાલકે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ખંડણી માંગનાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પરંતુ આ આરોપી પોલીસ પકડથી બચવા માટે છેલ્લા ઘણા દિવસોથી ભાગતો ફરતો હતો. દરમિયાન 18 જૂનના રોજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે ખંડણી પેટે 7 લાખ રૂપીયા મેળવવાના ગુનામાં સંડોવાયેલા આરોપી અશોક ચન્દ્રપ્રકાશ દુબે (રહે.બી-20, કલ્યાણ નગર, આઇ.ટી.આઇ રોડ તરસાલી વડોદરા શહેર) આ ગુનામાં પોલીસ ધરપકડથી બચવા માટે નાસતો ફરતો હોય ટેકનીકલ અને હ્યુમન સોર્સના આધારે શોધખોળ શરૂ કરી હતી. દરમિયાન આ આરોપી રણોલી જીઆઇડીસી ખાતે હોવાની બાતમી મળતા નાસતા ફરતા આ આરોપીની રણોલી જીઆઇડીસી ખાતે તપાસ કરી અશોક દુબેને ઝડપી પાડ્યો હતો. ક્રાઈમ બ્રાન્ચ દ્વારા આરોપીને આગળની કાર્યવાહી માટે માંજલપુર પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલો આરોપી ગુનાહીત ઇતિહાસ ધરાવે છે. આરોપી અશોક દુબે અગાઉ ડીસીબી પોલીસ સ્ટેશનના ગુનામાં પકડાયો છે.

Most Popular

To Top