Vadodara

વડોદરા : હેલિકોપ્ટરમાંથી 4 બાળકો પટકાયાની ઘટનાના 5 મહિના બાદ જ ફરી રોયલ મેળો શરૂ થશે

19 જૂનના રોજ મેળો શરૂ કરવાની મંજૂરી, તંત્ર દ્વારા તમામ રાઇડનું ચેકિંગ કરાયું કે પછી અધ્ધરતાલ પરમિશન આપી દેવાઇ ? તેવી ચર્ચાએ જોર પકડ્યું

વડોદરા તારીખ 25

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં અવધૂત ફાટક પાસે આવેલા રોયલ મેળામાં તાજેતરમાં હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો. જેમાં 4 માસૂમ બાળકો નીચે પટકાયા હતા અને ઇજાગ્રસ્ત થયા હતા.જેના કારણે આ રોયલ મેળો બંધ કરાયો હતો. હવે ફરી આ રોયલ મેળાને શરૂ કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે અને આગામી 19 જૂનના રોજ રોયલ મેળો શરૂ થશે. ત્યારે શું પાલિકા દ્વારા ફરી દુર્ઘટનાનું પુનરાવર્તન ન થાય તેના માટે તમામ રાઇડનું ચેકિંગ કરાયું છે કે પછી અધ્ધરતાલ પરમિશન આપી દેવામાં આવી છે? તેવી ચર્ચા જોર પકડયુ છે.

રાજકોટ ગેમ ઝોન ખાતે સર્જાયેલી ચકચારી દુર્ઘટના બાદ રાજ્યમાં યોજાતા તમામ મેળા, ગેમ ઝોન તથા બાળકોની રમત ગમત ને લાગતી તમામ જગ્યાઓ બંધ કરી દેવા માટેના સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યા હતા. ત્યારે રાજકોટ જેવી દુર્ઘટના ફરી ન સર્જાય તેના માટે તાજેતરમાં સરકાર દ્વારા સુરક્ષા અને સલામતીના પુરતા સાધનો તેમજ સ્થળ નિરીક્ષણ તથા ચેકિંગ સહિતની ગાઇડ લાઇન જાહેર કરવામાં આવી હતી અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે તમામ નીતિ નિયમોનું પાલન કરવા માટેની તૈયારી દર્શાવ્યા બાદ બાળ મેળા, ગેમ ઝોન શરૂ થયાં હતાં. ઉલ્લેખનીય છે કે ગત 25 ડિસેમ્બર- 2024ના રોજ વડોદરાના અવધૂત ફાટક પાસે આવેલા રોયલ મેળામાં હેલિકોપ્ટરની રાઇડમાં બાળકો બેસાડવામાં આવ્યા હતા પરંતુ રાઇડના દરવાજા વ્યવસ્થિત રીતે બંધ નહીં કરવામાં આવતા આ હેલિકોપ્ટર રાઇડનો દરવાજો ખુલી ગયો હતો અને 4 બાળકો નીચે પટકાયા હતા અને બાળકો ઇજાગ્રસ્ત થયા હતા. ઘટનાને પગલે ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો મેળાના સ્થળ પર દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી. જેમાં મેળાના સંચાલક તથા ઓપરેટર સહિતના આરોપીઓ વિરુદ્ધ ગુનો નોધી ધરપકડ પણ કરવામાં આવી હતી.ત્યારબાદ આ રોયલ મેળાને બંધ કરી દેવામાં આવ્યો હતો અને મેળાના સંચાલક દ્વારા તમામ રાઇડોની પરમિશન લેવામાં આવી હતી કે નહીં તેની તપાસ માટે એક કમિટીની રચના પણ કરાઈ હતી. ત્યારે હવે પાંચ મહિના પછી રોયલ મેળાને શરૂ કરવા માટેની ફરીથી મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી 19 જૂનથી રોયલ મેળો ફરી શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે સંચાલક દ્વારા નિયમોનું પણ પાલન કરવામાં આવશે કે પછી બેદરકારી દાખવીને ફરી દુર્ઘટનાનું પુનરાવર્તન કરાવશે તેવી ચર્ચાએ જોર પકડ્યું છે.

Most Popular

To Top