તંત્રની ઘોર નિદ્રા, જાંબુવા-સુંદરપુરા હાઈવે ‘ડેથ ઝોન’ બન્યો, વચનો છતાં ન સર્કલ બન્યું કે ન સ્ટ્રીટ લાઈટો ચાલુ થઈ
(પ્રતિનિધિ), વડોદરા. તા.7
વડોદરાના જાંબુવા થી સુંદરપુરા તરફ જતા નેશનલ હાઈવે નંબર 48 પર આજે ફરી એકવાર ભયાનક અકસ્માત સર્જાતા ચકચાર મચી ગઈ હતી. એક ઇકો ગાડી અને સુઝુકી ડિઝાયર વચ્ચે થયેલી આ પ્રચંડ ટક્કરમાં બંને કારના ફુરચા ઉડી ગયા હતા. સદનસીબે બંને કારની એરબેગ્સ સમયસર ખુલી જતાં મોટી જાનહાનિ ટળી હતી, પરંતુ આ ઘટનાએ ફરી એકવાર હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટી તંત્રની ગુનાહિત બેદરકારીને ખુલ્લી પાડી દીધી છે.
મળતી માહિતી મુજબ, સુઝુકી ડિઝાયરના ચાલક જ્યારે રોડ ક્રોસ કરી રહ્યા હતા, ત્યારે ગોધરાથી કીમ તરફ પૂરઝડપે જઈ રહેલી ઇકો ગાડી સાથે તેમની જોરદાર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. અકસ્માત થતા જ આસપાસની સોસાયટીના રહીશોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા. લોકોએ તત્કાલ મદદ કરી બંને કારચાલકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા.
નસીબજોગે કોઈને ગંભીર ઈજા પહોંચી નથી, પરંતુ વાહનોને લાખોનું નુકસાન થયું છે. ઘટનાસ્થળે એકઠા થયેલા સોસાયટીના રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે આ પોઈન્ટ હવે ‘અકસ્માત ઝોન’ બની ગયો છે. ગયા વર્ષે અહીં એક આશાસ્પદ યુવકે અકસ્માતમાં જીવ ગુમાવ્યો હતો, જેના પગલે પ્રચંડ જનઆક્રોશ સાથે ચક્કાજામ કરવામાં આવ્યો હતો. તે સમયે ઉચ્ચ અધિકારીઓએ ખાતરી આપી હતી કે ટૂંક સમયમાં અહીં સ્ટ્રીટ લાઈટો નાખવામાં આવશે, સર્કલ બનાવવામાં આવશે અને ટ્રાફિક પોઈન્ટ મૂકવામાં આવશે. મહિનાઓ વીતી ગયા હોવા છતાં આજે પણ અહીં અંધારપટ છવાયેલો રહે છે અને ટ્રાફિક નિયમન માટે કોઈ વ્યવસ્થા નથી.
સુંદરપુરા અને આસપાસની અસંખ્ય સોસાયટીઓમાં રહેતા હજારો લોકો, શાળાએ જતા માસૂમ બાળકો અને નોકરીયાત વર્ગ માટે આ હાઈવે ક્રોસ કરવો એટલે ‘મોતને મુઠ્ઠીમાં લઈ ચાલવા’ સમાન છે. અધિકારીઓની નિષ્ક્રિયતાને કારણે નિર્દોષ નાગરિકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. આજનો અકસ્માત તો માત્ર એક ચેતવણી છે. જો વહેલી તકે અહીં સર્કલ, પ્રોપર સાઈન બોર્ડ અને સ્ટ્રીટ લાઈટની સુવિધા કરવામાં નહીં આવે, તો રહીશોએ આગામી દિવસોમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. સવાલ એ છે કે શું ઓથોરિટી જાગશે કે પછી હજુ વધુ લોહી રેડાવાની રાહ જોશે ?