Vadodara

વડોદરા : હવે તો શરમ કરો, પીએમઓ ઓફિસમાં વીસીના સંબંધી, સત્તાનો દુરુપયોગ, આ આંદોલન નહિ રોકાય

હદ કરી નાખી વાલીઓએ પણ વડોદરાના વિદ્યાર્થીઓના હિત માટે આંદોલનમાં જોડાવું પડ્યું :

કાળઝાળ ગરમીમાં વાલીઓ વિદ્યાર્થીઓ આકરા તાપમાં શેકાયા, રજૂઆત સાંભળવા કોઈ ફરક્યું જ નહીં :

મહારાજા સયાજીરાવ ગાયકવાડ યુનિવર્સિટી ની કોમર્સ ફેકલ્ટીના પ્રથમ વર્ષમાં અભ્યાસક્રમ માટે જાહેર કરાયેલા પ્રોવિઝનલ મેરીટ લીસ્ટમાં જનરલ કેટેગરીમાં 75% થી નીચેના ગુણ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ મળ્યો નથી તેની સામે EWS સહિતના અન્ય કેટેગરીમાં 35% થી 40% ધરાવતા વિદ્યાર્થીઓને ખૂબ જ સરળતાથી પ્રવેશ મળી ગયો છે. જેને કારણે ગતરોથી NSUI, AGSU ગ્રુપ અને YES ગ્રુપ સહિતના વિદ્યાર્થી સંગઠનો દ્વારા આંદોલન શરૂ કરવામાં આવ્યું છે.

ગતરોજ વિદ્યાર્થી સંગઠનના આગેવાનો અને વાલીઓએ કોમર્સ ફેકલ્ટીના ડીન કેતન ઉપાધ્યાયનો ઘેરાવો કર્યો હતો. જેમાં અમર વાઘેલા તેમજ નિખિલ સોલંકી સહિત કુલ ચાર વિદ્યાર્થી નેતાઓની પોલીસે અટકાયત કરી હતી. જેમને કોર્ટમાં હાજર કર્યા બાદ જામીન મંજૂર કર્યા હતા. ત્યારે આજે આંદોલનના બીજા દિવસે પણ NSUI , AGSU અને YES ગ્રૂપ સહિતના વિદ્યાર્થી સંગઠનના આગેવાનો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ યુનિવર્સિટીની હેડ ઓફિસ ખાતે વિરોધ પ્રદર્શન કર્યું હતું. પોસ્ટરો બેનરો સાથે દેખાવ કર્યા હતા અને ઉગ્ર સૂત્રોચારો કર્યા હતા. જોકે સમગ્ર મામલે યુનિવર્સિટીના એક પણ સત્તાધીશ તેમની રજૂઆત સાંભળવા માટે બહાર ફરકયા પણ ન હતા અને પોલીસને આગળ ધરી હતી. ત્યારે વિદ્યાર્થીઓને વાલીઓએ સત્તાધીશો સામે તીખા શબ્દોના પ્રહારો કર્યા હતા. વિદ્યાર્થી આગવવાનોએ આક્ષેપ કર્યો હતો કે, યુનિવર્સિટીના વીસીના ભાઈ પીએમઓ ઓફિસમાં ફરજ બજાવતા હોવાથી તેમની સત્તાનો દૂર ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

વિદ્યાર્થી અગ્રણી સુજાન લાડમેને જણાવ્યું હતું કે, વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં મોટી સંખ્યામાં વાલીઓ અને તેમના વિદ્યાર્થીઓ અહીં આંદોલન કરવા માટે આવી રહ્યા છે. આજે ઇતિહાસમાં પહેલી વખત એવું બન્યું હશે કે, 75% વાળા વિદ્યાર્થીઓને પણ એડમિશન નથી મળતું, પણ આ લોકો ખાનગી યુનિવર્સિટીને ફાયદો કરાવવા માટે આ ધંધા કરી રહ્યા છે. આટલા તાપમાં વિદ્યાર્થીઓને વાલીઓ આવ્યા છે. યાદ રાખજો આંદોલન રોકાવાનું નથી અમે એમપી અને એમએલએને પણ બોલાવવાની તૈયારી રાખીએ છીએ. આવનારા દિવસોમાં એમ.એલ.એ સાંસદોને પણ અમે બોલાવીશું અને વાત એવી જાણવા મળી છે કે વીસી ના કોઈ સંબંધી પીએમઓ ઓફિસમાં છે. એટલે ત્યાંથી આ બધું થઈ રહ્યું છે એમ લાગી રહ્યું છે, અને વડોદરાના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે તો અમે આ ભાજપ સરકારનો પણ વિરોધ કરીશું. કારણકે અંદર જે વીસી બેઠો છે, એ ભાજપ સરકારનો છે. અને ડીન બેઠો છે એ પણ ભાજપ સરકારનો છે. જો આ મામલે ભાજપ સરકાર યોગ્ય પગલાં નહીં લે તો વડોદરામાં ભાજપનો પણ વિરોધ કરીશું અને અયોધ્યાવાડી અહીંયા થશે. પોલીસનું વલણ પણ ખરાબ છે, તાળા મારી દીધા છે ગેટ પર અમને અંદર પણ જવા નથી દેતા, સત્તાધીશો પોલીસને હાથો બનાવી રહ્યા છે. પણ ક્યાં સુધી પોલીસને આગળ રાખશે અમે આંદોલન રોકવાના જ નથી. જ્યાં સુધી વડોદરાના વિદ્યાર્થીઓને ન્યાય નહીં મળે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે.

એજીએસયુ સંગઠનના પંકજ જયસ્વાલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરના ફક્ત 69% જેટલી બેઠકો છે તે સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવી છે. અત્યાર સુધી ફેકલ્ટી ઓફ કોમર્સમાં 95% જેટલી સીટો હતી. વડોદરાના સ્થાનિક વિદ્યાર્થીઓને આપવામાં આવતી હતી. તો આ સીટો કોના ઇશારાથી ઓછી કરી દેવામાં આવી છે. કોના સાથે આ લોકો સંકળાયેલા છે. કોના જોડે આ લોકોએ પૈસા લીધા છે. આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ જે વડોદરા શહેરના છે. પ્રથમ હક તે લોકોનો છે. તો ક્યાં જશે, ફક્ત અને ફક્ત સ્થાનિક વિદ્યાર્થીઓને નુકસાન પહોંચાડવા અને ખાનગી યુનિવર્સિટીઓને ફાયદો કરવા માટે જ આ નિર્ણય લીધો છે. જો આ લોકો સીટોમાં વધારો કરતા હોય તો આ વિદ્યાર્થીઓ રાજી ખુશીથી ઘરે જશે. સત્તાધીશો સરકારથી નહિ અમારાથી ડરે છે. લોકશાહીમાં વિદ્યાર્થીઓ વિરોધ કરી શકે છે. વડોદરાના જે પણ સ્થાનિક વિદ્યાર્થીઓ છે એમને એડમિશન આપવામાં આવે તેવી અમારી માંગણી છે.

એમ.એસ.યુ ના પૂર્વ સેનેટ સભ્ય એ જણાવ્યું હતું કે, આજે જે પ્રમાણે યુનિવર્સિટીની જે હાલત કરવા જઈ રહ્યા છે. એ જોહુકમીમાં વિદ્યાર્થીઓ અહીં જે એડમિશન લેવા આવ્યા છે એ વિદ્યાર્થીઓ છે, કોઈ આતંકવાદી પ્રવૃત્તિ કરવાવાળા નથી કે, જેમણે અહીંયા આ રીતે રોકવામાં આવે વાલીઓ સાથે વિદ્યાર્થીઓ એડમિશન માટે પોતાનો હક લેવા માટે આવ્યા છે. અમારી એક જ માંગ છે કે, આજે 70- 70% લાવ્યા પછી પણ વિદ્યાર્થીને જો એડમિશન ના મળે તો આ યુનિવર્સિટીને તાળા મારી દેવા જોઈએ. જો તમે યુનિવર્સિટી ના ચલાવી શકતા હોય સક્ષમ નથી તો પછી તમારે તાળા મારીને બેસી જવું જોઈએ. આ તમારી લાયકાતની બહારની વસ્તુ છે. છાશવારે કોઈપણ કારણ વગર કોઈ ઘર્ષણ નથી. કોઈ પ્રકારની તોડફોડ નથી, તેમ છતાં પોલીસને આગળ ધરીને આ રીતે આંદોલન ડામવાની કોશિશ કરી રહ્યા છે. એ તદ્દન ખોટી વાત છે. આજે કોઈપણ વસ્તુ જ્યારે કોઈ જાનહાની થાય મોટી હાની કરવા જઈ રહ્યા હોય, આનાથી પણ મોટા મોટા આંદોલનો થયા છે. ત્યારે કદી પણ પોલીસ વચ્ચે આવતી ન હતી. તમારી પાસે સિક્યુરિટી છે. તેની પાછળ આટલો બધો મોટો ખર્ચો કરો છો, તો પછી આ સિક્યુરિટી પાછળ ખર્ચો કરવાનું કારણ શું? જો તમે ના સંભાળી શકતા હોય તો આ સિક્યુરિટીને કાઢી મૂકવી જોઈએ.

વાલીએ જણાવ્યું હતું કે 70% વાળા છોકરાઓને એડમિશન ના મળે તો શું ? આ કોલેજનો શુ ફાયદો અને ખાનગી યુનિવર્સિટીમાં જ જાય તો એક એક દોઢ દોઢ લાખ રૂપિયા ફી છે. તો અમારા ઘરમાં બે ત્રણ ત્રણ છોકરા હોય તો એક છોકરાના એક લાખ ભરે તો ત્રણ છોકરા ના લાખો રૂપિયા ક્યાંથી ભરે. ઘરમાં શું ખાઈએ, એમ.એસ.યુનિવર્સિટી વડોદરા ના લોકો માટે છે. ત્યારે વડોદરાના લોકોના બાળકોને એડમિશન મળવું જ જોઈએ. બહારના વિદ્યાર્થીઓને એડમિશન મળે છે તો વડોદરા ના વિદ્યાર્થીઓ સાથે અન્યાય કેમ ?

Most Popular

To Top