વડોદરા તારીખ 24
છરીઓ, ખંજર, તલવાર, અને બંદૂક સાથે ફોટા પાડીને તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર અપલોડ કરનાર લોકોની માહિતી મેળવવા માટે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે whatsapp નંબર જાહેર કર્યો છે અને આવા લોકો સામે કાર્યવાહી કરવા એક પ્રકારની ઝુંબેશ શરૂ કરી છે. ત્યારે વડોદરામાં પણ આવી હથિયારો સાથેની પોસ્ટ વાયરલ થતી રહેતી હોય છે ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ હથિયારો સાથેની પોસ્ટ મૂકનાર લોકોની માહિતી મેળવવા ક્યારે whatsapp નંબર જાહેર કરશે ? આવી કોઈ ઝુંબેશ હાથ ધરવામાં આવશે ખરી?
હાલમાં સોશિયલ મીડિયાનો નાના બાળકોથી લઈને મોટી ઉંમરના લોકો સુધી એટલી હદે ક્રેઝ વધી ગયો છે. વળી કેટલાક લોકો તો પોતાની રિલો બનાવી પર સોશિયલ મીડિયા પર અપલોડ કરતા હોય છે. જેમાં વાહન ચાલકો જોખમી સ્ટંટ કરતા હોય તેવા વિડિયો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર અપલોડ કરતા હોય છે. આવા જોખમી વિડિયો બનાવનાર વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં આવતી હોય છે. બીજી તરફ કેટલાક શોખીન યુવકો સહિતના પોતાની સાથે કોઈ હથિયારો જેવા કે છરીઓ, ખંજર, તલવાર, બંદૂક અને જ્વલનશીલ સામગ્રી સહિતની વસ્તુઓ સાથે ફોટા પાડીને તેની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરતા હોય છે. ત્યારે આવી પોસ્ટ મુકનાર લોકોને સબક શીખવાડવા સાથે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે જાહેર સ્થળોએ ખતરનાક હથિયારો, છરીઓ, ખંજર, તલવારો, બંદૂકો રાખનારા વ્યક્તિઓ સામે ઝુંબેશ શરૂ કરી છે. ઉપરાંત વોટ્સએપ ગ્રુપ, વોટ્સએપ સ્ટેટસ, ઇન્સ્ટાગ્રામ, ટવિટર, ફેસબુક અથવા અન્ય કોઈપણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર છરીઓ, ખંજર, તલવારો, બંદુકો સહિતના હથિયારોના ફોટાની પોસ્ટ કરનારા વ્યક્તિઓ સામે પણ ખાસ ઝુંબેશ શરૂ કરાઈ છે. સાથે કોઈપણ જાગૃત નાગરિક આવા કોઈ હથિયાર સાથે ફોટા મૂકે તો અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને વોટ્સએપ મોબાઇલ નંબર પર જાણ કરી શકે માટે વોટ્સએપ નંબર પર જાહેર કરાયો છે અને આવા વ્યક્તિના ફોટા, નામ અને સરનામું અથવા સ્થળ શેર કરી શકો છે. તમારી ઓળખ સુરક્ષિત રાખવામાં આવશે અને યોગ્ય ઇનામ પણ આપવામાં આવી શકે છે. ત્યારે અમદાવાદ આવા હથિયારો સાથેની પોસ્ટ મૂકનારની માહિતી મેળવવા માટે whatsapp નંબર જાહેર કર્યો છે ત્યારે વડોદરા ક્રાઈમ બ્રાન્ચ આવી હથિયારો સાથેની પોસ્ટ મૂકનારની માહિતી મેળવવા તથા તેમની સામે કાર્યવાહી કરવા માટે whatsapp નંબર જાહેર કરશે?