Vadodara

વડોદરા : સ્માર્ટ મીટરે ભારે કરી, મહિલાઓએ રણચંડી બની વીજ કચેરી માથે લીધી

અમારા ઘરોમાં લાગેલા સ્માર્ટ મીટર કાઢો, નહીં તો વીજ કચેરીમાં તોડફોડ કરવાની મહિલાઓએ આપી ચીમકી

( પ્રતિનિધિ ) વડોદરા તા.20

વડોદરા શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં નવા સ્માર્ટ વીજ મીટરના વિરોધ બાદ વીજ કંપનીએ હાલ પૂરતું સ્માર્ટ મીટર લગાવવા પર બ્રેક મારી દીધી છે, તો બીજી તરફ જ્યાં જ્યાં આ સ્માર્ટ મીટર લાગેલા છે, તેવા લોકોના ઘરોમાં વીજ પુરવઠો કટ થતાં લોકોમાં ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. ત્યારે શહેરના અલકાપુરી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે મહિલાઓએ રણચંડી બની રોષ ઠાલવ્યો હતો.

વડોદરા શહેરમાં છેલ્લા છ દિવસથી જુદા જુદા વિસ્તારોમાં નવા સ્માર્ટ મીટરને લઈને ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. અડધી રાત્રે પણ લોકોના મોરચા વીજ કચેરીએ પહોંચી હલ્લો મચાવ્યો હતો. દર બે મહિને જે બીજ બીલ લોકોને આવતું હતું. હાલ એ નવા સ્માર્ટ મીટર લગાવ્યા બાદ પાંચ દસ દિવસમાં જ 1500 થી 2000 રૂપિયાનું રિચાર્જ કરવાની વીજ ગ્રાહકોને ફરજ પડી રહી છે, ત્યારે શહેરમાં ઠેર ઠેર લોકોના ઉગ્ર વિરોધ બાદ વીજ કંપનીના અધિકારીઓએ ઝુંકવું પડ્યું હતું. અને હાલ પૂરતું નવા સ્માર્ટ વીજ મીટર લગાવવા પર બ્રેક મારવાનો નિર્ણય લીધો હતો. પરંતુ હાલમાં જે લોકોના ઘરોમાં આ નવા સ્માર્ટ મીટર લાગેલા છે ,તેવા લોકોને ત્યાં પરિસ્થિતિ જેસે તે જ જોવા મળી છે. આવા લોકોને રિચાર્જ કર્યા વગર છૂટકો નથી. રિચાર્જ ન કરે તો વીજળી ઓટોમેટીક કટ થઈ રહી છે. ત્યારે 40 ડિગ્રી ઉપરાંત ગરમીના તાપમાનમાં લોકો વીજળી વિના ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. ત્યારે આજે અલકાપુરી વીજ કંપનીની પેટા વિભાગીય કચેરી ખાતે એલ.કે નગર સહિતની આસપાસની વસાહત સોસાયટીની મહિલાઓ રણચંડી બની હતી અને વીજ કચેરીએ ઉગ્ર વિરોધ કર્યો હતો. મહિલાઓએ જણાવ્યું હતું કે અમારા ઘરવાળાઓને સરકારી નોકરી નથી, મજૂરી કરવા જાય છે. દર બે ત્રણ દિવસે એક હજારથી લઈ 1500 રૂપિયા સુધીનું રિચાર્જ પોસાતું નથી. આ જે સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે, તે તાત્કાલિક ધોરણે કાઢી નાખી અને જૂના મીટર લગાવી આપવામાં આવે અને જો આમ કરવામાં નહીં આવે તો વીજ કચેરીમાં તોડફોડ કરીશું.

Most Popular

To Top