Vadodara

વડોદરા સેન્ટ્રલ બસ ડેપો પર પૂણેની મહિલાના 15 તોલા સોનાના દાગીના ચોરાયા

ભીડનો લાભ લઈ ગઠિયાએ પર્સમાંથી દાગીના ઉઠાવ્યા, સયાજીગંજ પોલીસ દ્વારા CCTV આધારે તપાસ શરૂ
વડોદરા, તા. 12
મહારાષ્ટ્રના પુણે ખાતે રહેતા એક મહિલા વડોદરામાં લગ્ન પ્રસંગે હાજરી આપવા આવ્યા હતા , પરંતુ સેન્ટ્રલ એસટી બસ ડેપો પર ભીડનો લાભ લઈ ગઠિયાએ તેના પર્સમાંથી 15 તોલા સોનાના દાગીના ચોરી લેતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મહિલાએ સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, પુણેના રહેવાસી જાગૃતિબેન પટેલ સયાજીગંજ વિસ્તારમાં આવેલા સેન્ટ્રલ એસટી ડેપોમાં બસ પકડવા આવ્યા હતા. લગ્ન પ્રસંગ પૂર્ણ થયા બાદ તેઓ ખંભાત જતી બસમાં બેસવા ડેપો પર પહોચ્યા હતા. તે સમયે બસમાં ચડવા માટે ભારે ભીડ જામેલી હતી. મુસાફરોની ધક્કામુક્કી વચ્ચે કોઈ અજાણ્યા ગઠિયાએ ભીડનો લાભ લઈ તેમના પર્સમાંથી સોનાના દાગીના ચોરી લીધા હતા.
બસમાં બેઠા બાદ જ્યારે મહિલાએ પર્સ ચેક કર્યું ત્યારે 15 તોલા સોનાના દાગીના ગાયબ હોવાનું જણાયું હતું. ઘટનાથી વ્યથિત બનેલા મહિલાએ તાત્કાલિક સયાજીગંજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે ડેપોમાં લાગેલા CCTV કેમેરાના ફૂટેજ તપાસવાની કાર્યવાહી શરૂ કરી છે અને ગઠિયાની ઓળખ માટે તપાસ તેજ કરી છે. સેન્ટ્રલ બસ ડેપો જેવી વ્યસ્ત જગ્યાએ ફરી એકવાર ચોરીની ઘટના સામે આવતા મુસાફરોમાં પણ ભયનો માહોલ સર્જાયો છે.

Most Popular

To Top