વીજ પુરવઠો ઠપ્પ થતા ફતેગંજ વીજ કચેરીએ લોકોએ મોરચો માંડ્યો
સ્માર્ટ મીટર નથી જોઈતા , જૂના વીજ મીટર આપવા માંગ
( પ્રતિનિધિ ) વડોદરા તા.15
વડોદરા શહેરમાં એક પછી એક વિસ્તારોમાં સ્માર્ટ વીજ મીટરોને લઈ નાગરિકો વિરોધ કરી રહ્યા છે. ત્યારે અગાઉ સુભાનપુરા ગોરવા અકોટા બાદ હવે ફતેગંજ વિસ્તારના લોકોએ પ્રિપેડ સ્માર્ટ મીટરનો વિરોધ કર્યો છે. ફતેગંજ વીજ કચેરી ખાતે લોકોએ મોરચો માંડી સ્માર્ટ મીટર કાઢી નાખી જૂના મીટર લગાવવા ઉગ્ર રજૂઆત કરી હતી.
મધ્ય ગુજરાત વીજ કંપની દ્વારા વડોદરામાં પ્રિપેડ વીજ મીટરો નાખવાની શરૂઆત કરી દેવામાં આવી છે. જોકે જે વિસ્તારોમાં હાલ આ વીજ મીટર લગાવવામાં આવ્યા છે. તેવા વિસ્તારોમાં એક પછી એક નવા સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગોરવા સુભાનપુરા અકોટા થી શરૂ થયેલો આ નવા સ્માર્ટ મીટરનો વિરોધ આજે ફતેગંજ વિસ્તારમાં પહોંચ્યો હતો. લોકોના ઘરોમાં વીજળી ભૂલ થતાં ફતેગંજ વીજ કચેરી ખાતે લોકોએ મોરચો માંડ્યો હતો. લોકોએ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે અમારા ઘરોમાં છેલ્લા ઘણા કલાકો થી લાઇટો નથી ઘરમાં નાના બાળકો છે વૃદ્ધો છે કઈ રીતે પર ચાલે, જૂના વીજ મીટરો હતા. ત્યારે આવી સમસ્યા સર્જાતી ન હતી. પરંતુ જ્યારથી આ નવા સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યા છે ત્યારથી આ મુશ્કેલી પડી રહી છે. અન્ય એક વિસ્તારના નાગરિકે જણાવ્યું હતું કે મેં હાલમાં જ 500 રૂપિયાનું રિચાર્જ કરાવ્યું હતું તેમ છતાં મારા ઘરે વીજ પુરવઠો કપાઈ ગયો છે. અમારે આ સ્માર્ટ વીજ મીટર જોઈતા નથી.
જ્યારે બીજી તરફ અધિકારીઓએ જણાવ્યું હતું કે જે લોકો અમને રજૂઆત કરવા માટે આવ્યા હતા તે લોકોનું કહેવું છે કે અમારા ઘરે વીજ પુરવઠો કપાઈ ગયો છે. પરંતુ એ લોકોને સમજવામાં મુશ્કેલ થઈ રહી છે કે તેમનું રિચાર્જ પતી ગયું છે અને માઇનસમાં બેલેન્સ ગયું હોવાથી તેમના ઘરે વીજ પુરવઠો કટ થયો હશે. જો તેઓ ફરીથી રિચાર્જ કરી દેશે તો તુરંત તેમનો વીજ પુરવઠો કાર્યરત થઈ જશે.