Savli

વડોદરા : સાવલી ખાતેથી શંકાસ્પદ ગૌમાંસનો જથ્થો ઝડપાયો, બે ખાટકીની ધરપકડ

પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસને સાથે રાખી રેડ કરી, પોલીસને જોઈને અન્ય ફરાર થઈ ગયા


વડોદરા તા.2
સાવલી ખાતે ગેરકાયદે ખાટકીની દુકાનમાં પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ પોલીસને સાથે રાખીને રેડ કરી હતી. ત્યારે દુકાનમાંથી 200 કિલો ઉપરાંતનો માંસનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસને જોઈને કેટલાક ભાગી ગયા હતા જ્યારે બે ખાટકી ઝડપાઈ ગયા છે. જ્યારે અન્યની પણ શોધખોળ કરાઈ રહી છે.

વડોદરા જિલ્લાના સાવલી ખાતે ગૌમાંસ લાવવામાં આવ્યું હોવાની બાતમી પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના નેહા પટેલને મળી હતી. જેના આધારે 2 નવેમ્બરના રોજ પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાના કાર્યકરોએ સાવલી પોલીસને સાથે રાખી વહેલી સવારે રેડ કરી હતી. ત્યારે પોલીસને જોઈને માંસનું કટીંગ કરી રહેલા કેટલાક ખાટકી સ્થળ પરથી ભાગી ગયા
હતા. જ્યારે જફર અને જીલાની નામના બે શખ્સ ઝડપાઈ ગયા હતા.

તેમને સાથે રાખીને ખાટકીની દુકાન ચેકીંગ 200 કિલો ઉપરાંતનો માંસનો શંકાસ્પદ જથ્થો મળી આવ્યો હતો. નેહા પટેલે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં મોટી સંખ્યામાં માસ વેચાણ કરવા માટેની દુકાનો ગેરકાયદે ધમધમી રહી છે. ઉપરાંત તેમની પાસે કોઈ પ્રકારનું લાઇસન્સ પણ નથી જેથી સરકાર પાસે આ ગેરકાયદે ધમધમતી દુકાનો ના સંચાલકો સામે કાયદેસરની કાર્યવાહી કરવા માંગ છે. જે દુકાનમાંથી શંકાસ્પદ માંસનો જથ્થો ઝડપાયો છે, ત્યાં એક પશુની હત્યા પણ કરાઈ છે. સાવલી પોલીસે ફરિયાદ નોંધી શંકાસ્પદ 200 કિલો ઉપરાંતનો માંસનો જથ્થો કબજે કરવા સાથે બે ખાટકીની ધરપકડ કરી કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ માંસનો જથ્થો ગાયનો છે કે કેમ તેની ચકાસણી કરવા માટે એફએસએલની પણ મદદ લેવામાં આવી છે.

Most Popular

To Top