વડોદરા તારીખ 23
સાવલી તાલુકાના મોક્સી ગામે એસઓજી પોલીસની ટીમે રેડ કરીને ખેતરમાં શેડની આડમાં ધમધમતી મેફ્રોડોન ડ્રગ્સ બનાવવાની ફેકટરી ઝડપી પાડી હતી. ફેક્ટરીમાંથી 3.37 કરોડનું ડ્રગ્સ અને રૂ.1.73 લાખનું ડ્રગ્સ બનાવવાનું મટીરીયલ, ત્રણ મોબાઈલ અને મોપેડ મળી રૂપિયા 3.40 કરોડના મુદ્દામાલ સાથે બે લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે. જ્યારે ત્રણ સાગરિતો સ્થળ પરથી નહીં મળી આવતા તેમને વોન્ટેડ જાહેર કર્યા છે.



વડોદરા ગ્રામ્ય જીલ્લામાં ગેરકાયદે નસાયુક્ત દ્રવ્યોના ખરીદ વેચાણ તથા હેરાફેરીની ન થાય માટે એસઓજી દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી હતી. દરમિયાન 22 ફેબ્રુઆરીના રોજ એસઓજી ગ્રામ્ય પીઆઇ જે.એમ.ચાવડા સહિતનો સ્ટાફ ભાદરવા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન એસ.ઓ.જી. સ્ટાફને બાતમી મળી હતી કે, મોકસી ગામની સીમમાં રાણીયા જવાના રોડની બાજુમાં આવેલા ખેતરમાં જગદિશ મહિડા પોતાના ખેતરમાં શેડ બનાવી તેમાં પ્રેમચંદ મહંતો નામના શખ્સ સાથે નશાકારક પદાર્થ મેફેડ્રોન સીન્થેટીક ડ્રગ્સ ફેકટરીમાં બનાવી વેચાણ કરે છે. જેના આધારે એસઓજી ટીમે મોકસી ગામે ખેતરમાં રેડ કરી હતી ત્યારે ડ્રગ્સ બનાવવા બનાવેલી ફેક્ટરીમાંથી જગદીશ મહિડા તથા પ્રેમચંદ મહંતોને ઝડપી પાડયા હતા. એસઓજી દ્વારા સ્થળ પરથી ત્રણ કિલો 379 ગ્રામ મેફ્રેડોન ડ્રગ્સ રૂપિયા 3.37 કરોડ, ડ્રગ બનાવવાનું મટીરીયલ 1.73 લાખ ત્રણ મોબાઈલ અને મોપેડ મળી રૂ. 3.40 કરોડનો મુદામાલ કબ્જે કરી મંજુસર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. ત્યારે ચીરાગ ગીરીશભાઇ પટેલ ( રહે- સમતા, ગોરવા, વડોદરા શહેર), વિપુલ સીંગ ( રહે- ઔરંગાબાદ, બિહાર) અને વિપુલસીંગ સાથે આવેલા એક માણસને વોન્ટેડ જાહેર કર્યા છે.

