મહિલા સશક્તિકરણ સાથે જન્મદિવસની પ્રેરક-દ્રષ્ટાંત રૂપે ઉજવણી
મહિલાઓએ પ્રવાસના આનંદ પ્રમોદની સાથે હળવાશની અનુભૂતિ કરી



જન્મદિવસની ઉજવણીના ભાગરૂપે શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીએ નારી સંરક્ષણ ગૃહની આશ્રિત બહેનોને કચ્છ ભુજનો પ્રવાસ કરાવ્યો હતો.
જન્મદિવસની ઉજવણી સામાન્ય રીતે સ્વજનો-પરિવારજનો તેમજ મિત્રો અને સ્નેહીઓ સાથે કરવાનો સમાજમાં સર્વ સામાન્ય તથા સ્વીકાર્ય એવો ટ્રેન્ડ હાલ પ્રવૃત્તિ રહ્યો છે. પરંતુ આ પ્રકારની ઉજવણીમાં ક્યાંક સમાજ જોડાય, સમાજ તેનો સીધો લાભાર્થી બને તો તે ઉજવણી એ સોનામાં સુગંધ રેલાવતી બનવાની સાથે રચનાત્મક પ્રવૃત્તિ તરીકે લેખાય છે. ઈશ્વર પણ આવા સમાજ કાર્યમાં પરોક્ષ રીતે જોડાતા હોય છે.


31મી જાન્યુઆરીએ આપણા શહેરના યુવા સાંસદ ડો. હેમાંગ જોષીનો જન્મદિવસ છે. જન્મદિવસની ઉજવણી પરંપરાથી પર થઈ સમાજ માટે ઉપયોગી અને રચનાત્મક કહી શકાય તે પ્રકારે કરવાની ઉદાત્ત ભાવનાથી પ્રેરાઈ સાંસદ ડો. હેમાંગ જોષીએ શહેરના નારી સંરક્ષણ ગૃહ ખાતે આશ્રિત બહેનોને કચ્છ ભુજનો યાદગાર અને અવિસ્મરણીય બને તેવો પ્રવાસ કરાવ્યો હતો. મોટી સંખ્યામાં પ્રવાસમાં જોડાયેલી આશ્રિત બહેનોએ યાદગાર પ્રવાસનો ભરપેટ આનંદ માણી માનસિક સ્વસ્થતા અને હળવાશની અનુભૂતિ કરી હતી. મનગમતા ત્રિવિધ ફરસાણ અને રસઝરતા પકવાનો સાથેના નાસ્તા અને ભોજનની મીજબાનીએ આશ્રિત બહેનોના આનંદમાં ઉમેરો કર્યો હતો.
પ્રવાસના અંતે છૂટા પડતી વેળાએ આશ્રિત બહેનોએ ગુજરાતના નંદનવન સમા કચ્છ ભુજના આરામદાયી અને સુવિધાજનક પ્રવાસને યાદગાર અને અવિસ્મરણીય ગણાવી સાંસદ ડો. હેમાંગ જોષી અને સમાજ સુરક્ષા અધિકારી પ્રત્યે આભાર અને અહોભાવની લાગણી વ્યક્ત કરતા ઉમેર્યું હતું કે તેમની ટીમના પ્રયત્નોને કારણે જ આજે આ સુંદર પ્રવાસનું આયોજન શક્ય બન્યું છે. હવે ક્યારે આપણી ટીમને આ પ્રકારે આવો સુંદર મજાનો પ્રવાસ માણવા મળશે ?તેવો પ્રશ્ન સાંસદ ડો. હેમાંગ જોષી અને સમાજ સુરક્ષા અધિકારી સમક્ષ છેડી તેમના પ્રયાસોની સરાહના કરી હતી. સાંસદ ડો. હેમાંગ જોષીએ અમારી માટે કચ્છભુજના ફરવા લાયક સ્થળો નળ સરોવર, સ્વામિનારાયણ મંદિર, કોટેશ્વર મહાદેવ તથા સુંદર સરસ મજાના સફેદ રણ અને અંજાર ખાતે જેસલ તોરલની સમાધિના પ્રવાસનું આયોજન કરાવ્યું એ માટે અમે સૌ સાંસદના આભારી છીએ તેમ મહિલા અને બાળ અધિકારી તથા આશ્રિત બહેનોએ જણાવ્યું હતું.
નારી સંરક્ષણ ગૃહ ખાતે એક યા અન્ય પારિવારિક-સામાજિક કારણસર કાયદાની જોગવાઈ અનુસાર મહિલાઓ સામાયિક આશરો મેળવતી હોય છે. સમાજ જીવનથી દૂર રહેતી આ મહિલાઓને સમાજની હુંફ-હિંમત અને મદદ- માર્ગદર્શન મળી રહે તે જરૂરી છે. જેથી તે ફરી પગભર-સ્વનિર્ભર થઈ સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાઈ સમાજ રચનામાં પ્રવૃત્ત થઈ શકે.
