ગણતંત્ર દિવસની સુરક્ષા અને ધુમ્મસભર્યા વાતાવરણને પગલે એરપોર્ટ પ્રશાસનનો નિર્ણય; 31 જાન્યુઆરી સુધી કડક સુરક્ષા બંદોબસ્ત રહેશે
વડોદરા: આગામી 26મી જાન્યુઆરી, પ્રજાસત્તાક દિવસની રાષ્ટ્રીય ઉજવણીને ધ્યાનમાં રાખીને સુરક્ષા એજન્સીઓ દ્વારા દેશભરમાં સતર્કતા વધારી દેવામાં આવી છે. જેના ભાગરૂપે વડોદરાના હરણી એરપોર્ટ સહિત ગુજરાતના તમામ એરપોર્ટ પર 31મી જાન્યુઆરી સુધી ‘હાઈ એલર્ટ’ જાહેર કરવામાં આવ્યું છે. વધારાની સુરક્ષા તપાસ અને શિયાળાના વાદળછાયા વાતાવરણમાં ઘટતી વિઝિબિલિટીને કારણે મુસાફરોને ફ્લાઈટના નિર્ધારિત સમય કરતાં ઓછામાં ઓછા 2 કલાક વહેલા એરપોર્ટ પહોંચવા સત્તાવાર અનુરોધ કરવામાં આવ્યો છે.
એરપોર્ટ સત્તાધીશો અને એરલાઇન્સ કંપનીઓ દ્વારા જારી કરવામાં આવેલી સંયુક્ત એડવાઈઝરી મુજબ, પ્રજાસત્તાક પર્વ નિમિત્તે એરપોર્ટ પર સુરક્ષાના ત્રણ સ્તરીય તપાસ અભિયાન હાથ ધરવામાં આવ્યા છે. આ પ્રક્રિયામાં વધુ સમય લાગવાની શક્યતા હોવાથી મુસાફરોને કોઈ પણ પ્રકારની અસુવિધા ન થાય તે માટે વહેલા આવવા સૂચના અપાઈ છે. આ હાઈ એલર્ટ આગામી ૩૧ જાન્યુઆરી સુધી અમલી રહેશે.
વડોદરા એરપોર્ટ અધિકારીઓએ મુસાફરોને અપીલ કરી છે કે સુરક્ષા તપાસ દરમિયાન સુરક્ષા કર્મચારીઓ સાથે સહયોગ રાખવો. વાતાવરણમાં ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઓછી રહેતા ટેક-ઓફ અને લેન્ડિંગના સમયમાં ફેરફાર થઈ શકે છે, જેની વિગતો મેળવવા માટે એરલાઇન્સના સંપર્કમાં રહેવા જણાવાયું છે.
બોક્ષ:- મુસાફરો માટે મહત્વની સૂચનાઓ:
*ચેક-ઈન કાઉન્ટર: એરલાઇન્સના જણાવ્યા અનુસાર, ચેક-ઈન કાઉન્ટર ફ્લાઈટના 60 મિનિટ પહેલા બંધ કરી દેવામાં આવશે.
*બોર્ડિંગ ગેટ: ફ્લાઈટ ઉપડવાના 25 મિનિટ પહેલા બોર્ડિંગ ગેટ બંધ કરવામાં આવશે.
*સામાનની મર્યાદા: મુસાફરોને સલાહ આપવામાં આવી છે કે તેઓ ચેક-ઈન બેગેજ સિવાય પોતાની સાથે ફક્ત 7 કિલો વજનની એક જ હેન્ડબેગ રાખે, જેથી સુરક્ષા તપાસ ઝડપથી થઈ શકે.
*દિલ્હી ફ્લાઈટ પર અસર: 26મી જાન્યુઆરીએ દિલ્હીમાં ગણતંત્ર દિવસના રિહર્સલ અને પરેડને કારણે ફ્લાઈટ ઓપરેશન પર અસર પડી શકે છે, તેથી દિલ્હી જતા મુસાફરોએ ખાસ સમયનું ધ્યાન રાખવું.