CFO ચાલતી ડોક્યૂમેન્ટ્સ વેરીફીકેશનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હોવાની ચર્ચા :
કોઇ પણ ઉમેદવારની પસંદગી કરતા પહેલા તેના દ્વારા રજુ કરવામાં આવેલા ડોક્યૂમેન્ટ્સની સઘન તપાસ કરવામાં આવશે :
વડોદરાને કાયમી ચીફ ફાયર ઓફિસર મળે તે માટે પાલિકા દ્વારા સીધી ભરતીની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. જેમાં ભાગ લેવા માટે સસ્પેન્ડેડ ઇન્ચાર્જ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પણ રેસમાં હોવાનું લાગી રહ્યું છે. પોતાના જ વિભાગના કર્મચારીને માર માર્યા બાદ સસ્પેન્ડ કરવામાં આવેલા પાર્થ બ્રહ્મભટ્ટ લાંબા સમયે પાલિકામાં દેખાયા છે. તેઓ ચીફ ફાયર ઓફિસરના પદ માટે હાલ ચાલતી ડોક્યૂમેન્ટ્સ વેરીફીકેશનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે પહોંચ્યા હોવાનું હાલ તબક્કે જાણવા મળી રહ્યું છે.
વડોદરાની વસ્તીને ધ્યાને રાખીને ચીફ ફાયર ઓફિસર માટેની સીધી ભરતીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે. જેમાં યોગ્ય ઉમેદવારના ડોક્યૂમેન્ટ્સની સ્ક્રુટીની કર્યા બાદ અંતિમ નિર્ણય લેવામાં આવનાર છે. ત્યારે આ રેસમાં સસ્પેન્ડેડ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ પણ હોવાનું સામે આવ્યું છે. એક સમયના વડોદરાના ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા રાત્રીના સમયે પોતાના જ કર્મચારીને ઢોર માર મારતા વિવાદમાં આવ્યા હતા. ત્યાર બાદ ભારે ઉહાપોહ થતા પાલિકાના સક્ષમ અધિકારી દ્વારા તપાસ કરીને તેઓનો સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ પાર્થ બ્રહ્મભટ્ટ દ્વારા પાલિકામાં નોકરી મેળવવા સમયે રજુ કરેલા દસ્તાવેજો પૈકી સુરતની કંપનીનો બોગસ સ્પોન્શરશીપ લેટર રજુ કર્યો હોવાનું પણ સપાટી પર આવ્યું હતું. ત્યાર બાદ તે અંગેની તપાસ તેઓના વિરૂદ્ધ ચાલી રહી હોવાનું સુત્રો જણાવી રહ્યા છે. સાથે જ અપ્રમાણસરની મિલ્કત મામલે એસીબી તપાસ ચલાવી રહી છે. આ વચ્ચે સસ્પેન્ડ થયા બાદથી તેઓ લાપતા હતા. અને હવે પાલિકામાં સીધી ચીફ ફાયર ઓફિસરની ભરતી પ્રક્રિયામાં ભાગ લેવા માટે તેઓ કચેરીએ પ્રગટ થયા છે. પાર્થ બ્રહ્મભટ્ટ હાલ ચાલતી ડોક્યૂમેન્ટ વેરીફીકેશનની પ્રક્રિયામાં ભાગ લેવા પાલિકાની કચેરીએ પહોંચ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. ભારે વિવાદીત કાર્યકાળને જોતા તેઓને ચીફ ફાયર ઓફિસરના પદ પર બેસાડવામાં આવે તેવી શક્યતાઓ હાલ ઘણી ઓછી છે.તો બીજી તરફ પાલિકા સુત્રોએ જણાવ્યું કે, કોઇ પણ ઉમેદવારની પસંદગી કરતા પહેલા તેના દ્વારા રજુ કરવામાં આવેલા ડોક્યૂમેન્ટ્સની સઘન તપાસ કરવામાં આવશે. તેમાં પાર્થ બ્રહ્મભટ્ટના પણ ડોક્યૂમેન્ટ્સની ચકાસણી કરવામાં આવનાર છે. તમામ ચકાસણીના અંગે નિર્ણય લેવામાં આવશે.
વડોદરા : સસ્પેન્ડેડ ઓફિસર ચીફ ફાયર ઓફિસર બનવાની દોડમાં વીએમસીની કચેરીમાં પ્રગટ થયા
By
Posted on