સરકારી કચેરીઓ પરથી પોલીસ ગાયબ થઇ જતા કર્મીઓને મોકળુ મેદાન, જ્ય પોલીસ વડાના હેલ્મેટ અમલવારીના પરીપત્રને પણ કર્મચારીઓ ઘોળીને પી ગયાં
પ્રતિનિધિ વડોદરા તા.21
રાજ્ય પોલીસ વડાએ સરકારી કર્મચારીઓને નોકરી પર આવે ત્યારે હેલ્મેટ પહેરવાનો નિયમ ફરજીયાત કર્યો છે. પોલીસે કચેરીઓ પર ઉભી રહીને કાર્યવાહી કરવાની સુચના આપી હતી પરંતુ વડોદરા શહેરમાં શેઠની શિખામણ ઝાપા સુધી કહેવત બંધ બેસતી આવી રહી છે. ન તો પોલીસ કચેરીઓ પર ચેકિંગ કરી રહ્યા છે ન તો સરકારી કર્મચારીઓ જાતે પણ હેલ્મેટ પહેરીને નોકરી પર આવી રહ્યા છે. જેના કારણે રાજ્ય પોલીસ વડાના પરીપત્રનો સરેઆમ ઉલ્લંઘન થતુ જોવા મળી રહ્યું છે.
ગુજરાત રાજ્ય પોલીસ વડા દ્વારા તાજેતરમાં પરીપત્ર કરીને રાજ્યની વિવિધ કચેરીઓમાં નોકરી પર આવતા કર્મચારીઓને હેલ્મેટ ફરજીયાત પહેરીને આવવાનું તેવો જણાવવામાં આવ્યું હતું. જેના કારણે વડોદરા શહેર પોલીસ દ્વારા પરીપત્રના બીજા દિવસથી પરીપત્રની અમલવારી શરૂ કરી હતી અને શહેરના વિવિધ સરકારી કચેરીઓ પર ટ્રાફિક પોલીસના પીએસઆઇ સહિતના જવાનો તૈનાત કરીને હેલ્મેટ નહી પહેરીને આવતા કર્મચારીઓ સામે તવાઇ બોલાવવામાં આવી હતી. ત્યારે હવે ફરી પરીપત્ર અભરાઇ ચઢાવી દેવામાં આવ્યો હોય તેમ કોઇ પોલીસ કર્મચારી નર્મદા ભવન, પોલીસ ભવન, સિટી સર્વે તથા કુબેરભવન સહિતની કચેરીઓ પર જોવા મળતા નથી. પરિણામે સરકારી કર્મચારીઓને જાણે મોકળુ મેદાન મળી ગયું હોય લાગી રહ્યું છે. જેના કારણે હવે કર્મચારીઓ ફરી પાછા હેલ્મેટ પહેર્યા વિના નોકરી પર આવવાનું શરૂ કરી દીધુ છે. રાજ્ય પોલીસ વડાએ હેલ્મેટ પહેરવાના કારણે કોઇ અકસ્માત થાય અને માથામાં ગંભીરપ્રકારની ઇજા થવાના કારણે કોઇ જીવન ન જાય તેના માટે હેલ્મેટનો કાયદે ફરજીયાત બનાવ્યો હતો. પરંતુ કર્મચારીઓ કાયદાનો સરેઆમ ભંગ કરી પરીપત્રને પણ ઘોળીને પી ગયા હોય તેમ જણાઇ રહ્યુ છે. બીજી તરફ પોલીસ કર્મચારીઓ પણ સરકારી કચેરીઓ પર ગાયબ થઇ ગયા છે.
– હેલ્મેટના કાયદાના અમલ માટે ટ્રાફિક પોલીસની માત્ર દેખાડા પુરતી કાર્યવાહી
સુત્રોમાંથી જાણવા મળ્યા મુજબ કોઈ ઉચ્ચ પોલીસ અધિકારી કે મીડિયાના કર્મીઓ કમેરા સાથે કવરેજ કરવા માટે આવે તો ટ્રાફિક પોલીસના કર્મચારીઓ માત્ર દેખાડા પૂરતી કામગીરી કરતા હોય છે. ત્યારબાદ તેઓ પણ સ્થળ પર જોવા મળતા નથી કે કાર્યવાહી કરતા નથી.
