શહેરમાં આગની ઘટનાઓમાં ચિંતાજનક વધારો
ફાયર વિભાગ દ્વારા તાત્કાલિક બોલાવાઇ મહત્વપૂર્ણ બેઠક
ફાયર વિભાગ દ્વારા 13 જેટલી ટીમો બનાવીને શહેરના અલગ અલગ વિસ્તારોમાં નિરીક્ષણ હાથ ધરાયું
ફાયર વિભાગે 300થી વધુ હાયરાઇઝ બિલ્ડિંગ ચેક કરી 50થી વધુને નોટિસ આપી
વડોદરા: વડોદરા શહેરમાં બનતી આગની ઘટનાઓને લઈ વડોદરા શહેર ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ એક્શનમાં આવ્યું છે અને છેલ્લા દસ દિવસમાં શહેરમાં 300થી વધુ હાયરાઇઝ બિલ્ડીંગ ચેક કરી અને 50થી વધુ બિલ્ડીંગોને ફાયર સેફટીને લગતી ખામીઓને લઈ નોટિસ ફટકારવામાં આવી છે. જેમાં બે સરકારી ઈમારતોને પણ આ અંગેની નોટિસ આપવામાં આવી છે.

વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન વધતા આગના બનાવોને લઇ ચેકીંગ કરવામાં આવતું હોય છે પરંતુ, ક્યારેક આગના કોલમાં હાઇરાઇઝ બિલિંગ પર આગને કાબૂમાં લેવી ખૂબ જ મુશ્કેલ પડતી હોય છે, તેનું મુખ્ય કારણ હોય છે કે બિલ્ડીંગ પર લગાવેલી ફાયર સિસ્ટમમાં ખામી હોવાથી ફાયરને મુશ્કેલી પડતી હોય છે. ત્યારે ફાયર વિભાગ એક્શનમાં આવ્યું છે અને શહેરમાં 300થી વધારે હાઇરાઇઝ બિલ્ડીંગ ચેક કરી અને 50થી વધુ હાઈરાઇઝ બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવી છે.

વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા એક એપ્રિલથી આ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. આ કામગીરીમાં 50 પૈકી બે હાઇરાઇઝ બિલ્ડીંગ કે જેમાં વડોદરા શહેર પોલીસ ભવન અને સરદાર ભવન બંનેને નોટિસ આપવામાં આવી છે. જેમાં ફાયર સિસ્ટમમાં નાની મોટી ખામીઓ હોવાનું ફાયર અધિકારીઓના ચેકિંગમાં સામે આવ્યું છે. ત્યારે વડોદરા શહેરમાં હાઇરાઇઝ સ્કૂલ, કોલેજો, મોલ, કોમર્શિયલ બિલ્ડીંગ, સરકારી બિલ્ડીંગોમાં હાલમાં ચેકિંગ ચાલી રહ્યું છે. ગત મહિને શહેરની સૌથી મોટી સયાજી હોસ્પિટલના રેસીડેન્સીયલ વિભાગમાં નોટિસ આપવામાં આવી હતી, જે સિસ્ટમ કાર્યરત કરી દેવામાં આવી છે. હાલમાં વડોદરા ફાયર એન્ડ ઈમરજન્સી વિભાગ દ્વારા શહેરમાં 15 મીટરથી ઊંચી ઇમારત હોય તે તમામની ચકાસણી કરવામાં આવી રહી છે.

આ અંગે વડોદરા ફાયર વિભાગના ચીફ ફાયર ઓફિસર મનોજ પાર્ટીલે જણાવ્યું હતું કે, વડોદરા શહેરમાં હાલમાં હાઇરાઇઝ બિલ્ડિંગોનું ચેકીંગ ચાલુ છે. જ્યાં પણ ખામી જણાય છે તે બિલ્ડિંગને અમે નોટિસ આપીએ છીએ. આ પ્રક્રિયા સત્તત ચાલતી રહેશે જેમાં ફાયર સિસ્ટમમાં ખામી હશે તેને અમે 15 અને 30 દિવસની સમય મર્યાદાની નોટિસ આપી છે.
