વડોદરા:
વડોદરા શહેરમાં દિનપ્રતિદિન વધી રહેલી અસહ્ય ગરમીને ધ્યાનમાં રાખીને વડોદરા શહેર પોલીસે નાગરિકોની સુરક્ષા અને સુવિધા માટે મહત્વપૂર્ણ અને સરાહનીય નિર્ણય લીધો છે. ભારે તાપમાન વચ્ચે લોકોને રસ્તા પર લાંબા સમય સુધી ટ્રાફિક સિગ્નલ પર ઉભા રહેવું ન પડે તે માટે પોલીસ વિભાગ દ્વારા ટ્રાફિક વ્યવસ્થામાં તાત્કાલિક ફેરફાર કરવામાં આવ્યો છે.
પોલીસ દ્વારા લેવામાં આવેલા નિર્ણય અનુસાર આજથી તા 14 માર્ચથી દરરોજ બપોરના 1:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી શહેરના તમામ મુખ્ય ટ્રાફિક સિગ્નલો બંધ રાખવામાં આવશે. આ સમયગાળા દરમિયાન વાહનચાલકોને તપતા તાપમાં સિગ્નલ પર અનાવશ્યક રીતે ઉભા રહેવું ન પડે અને ટ્રાફિક સરળતાથી પસાર થઈ શકે તે હેતુસર આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું પોલીસે જણાવ્યું છે.
વધતી ગરમીને કારણે લોકોને હીટસ્ટ્રોક તથા તાપમાનના પ્રભાવથી બચાવવા માટે પોલીસ વિભાગ દ્વારા આ પગલું લેવામાં આવ્યું છે. શહેરના નાગરિકો દ્વારા પણ આ નિર્ણયને સરાહનીય ગણાવવામાં આવી રહ્યો છે.
પોલીસે સાથે સાથે નાગરિકોને અપીલ કરી છે કે, ટ્રાફિક સિગ્નલો બંધ હોવા છતાં ટ્રાફિકના નિયમોનું પાલન કરી સાવચેતીપૂર્વક વાહન ચલાવે અને ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં પોલીસને સહયોગ આપે.
ઉલ્લેખનીય છે કે, જ્યાં સુધી બીજો આદેશ ન થાય ત્યાં સુધી દરરોજ બપોરના 1 થી 4 વાગ્યા સુધી ટ્રાફિક સિગ્નલો બંધ રહેશે.