Vadodara

વડોદરા શહેર જિલ્લામાં યુદ્ધના ધોરણે સર્વે કામગીરી


*૧૩૩૫ લોકો આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે:પાણી ઓસરતાં ૯૦૬ લોકો પોતાના ઘરે પરત ફર્યા: અત્યાર સુધી ૨૬૨ લોકોને સલામત રીતે ઉગારી લેવાયા*


વડોદરા શહેર જિલ્લામાં બુધવારે પડેલા ભારે વરસાદ કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા કેટલાક પરિવારોને સલામત આશ્રય સ્થાને ખસેડવામાં આવ્યા હોવાનું જિલ્લા કલેકટર બીજલ શાહે જણાવ્યું છે.

કલેકટરે ઉમેર્યું કે,ભારે વરસાદને કારણે માનવ મૃત્યુ,માનવ ઈજા,મકાન નુકશાની,પશુ મૃત્યુ,કેશ ડોલ્સ સહાય ચુકવણી માટે સર્વેની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે.સંબંધિત પ્રાંત અધિકારીઓને આ કામગીરી સત્વરે પૂર્ણ કરવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.સંબંધિત પ્રાંત અધિકારીઓ દ્વારા પોતાના વિસ્તારમાં ટીમો બનાવી આ કામગીરી શરૂ કરવા આવી હોવાનું તેમણે જણાવ્યું હતું. સર્વે કામગીરી પૂર્ણ થતાં અસરગ્રસ્તોને સહાયની રકમ ચુકવવામાં આવશે.

શાહે ઉમેર્યું કે ભારે વરસાદ અને વિશ્વામિત્રી નદીમાં આવેલા પૂરને કારણે શહેર જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી આગાઉ ૧૮૭૭ અને આજે ૩૬૪ સહિત કુલ ૨૨૪૧ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું.જે પૈકી આજે પાણી ઓસરતાં ૯૦૬ લોકો પોતાના ઘરે પરત ફર્યા છે.જ્યારે ૧૩૩૫ લોકો આશ્રય સ્થાનોમાં આશરો લઈ રહ્યા છે.આશ્રયસ્થાનોમાં જિલ્લા પ્રશાસન,વડોદરા મહાનગરપાલિકા અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી અસરગ્રસ્તોને ભોજન,પીવાનું પાણી અને આરોગ્ય સેવાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

તેમણે કહ્યુ કે, છેલ્લા ત્રણ દિવસમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણીમાં ફસાયેલા અને વિશ્વામિત્રી નદીના પૂરના કારણે અસર પામેલા ૨૬૨ લોકોને સલામત એન.ડી.આર.એફ, એસ ડી.આર. એફ,પોલીસ,ફાયર બ્રિગેડ અને સ્થાનિક લોકોના સહયોગથી સલામત રીતે ઉગારી લેવામાં આવ્યા હતા.

Most Popular

To Top