Vadodara

વડોદરા શહેરના ચાર દરવાજા વિસ્તારમાં દબાણ હટાવવાની મેગા ડ્રાઇવ. 1 ટ્રક સામાન જપ્ત.

શહેરના મુખ્ય અને ભીડભાડવાળા ચાર દરવાજા વિસ્તારમાં ગેરકાયદેસર દબાણો સામે મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખા દ્વારા આજે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આ કાર્યવાહીથી દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે, જ્યારે સ્થાનિક નાગરિકોએ વહીવટી તંત્રના આ પગલાંને આવકાર્યો છે.

(પ્રતિનિધિ), વડોદરા. તા. 4

વડોદરા શહેરના વોર્ડ નંબર 14ના વોર્ડ ઓફિસર મહેશ રબારીના સીધા આદેશથી દબાણ શાખાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સંયુક્ત ઓપરેશન પાર પાડ્યું હતું. વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાની ટીમે સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને ચાર દરવાજા વિસ્તારમાં સવારથી જ દબાણ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. આ મેગા ડ્રાઇવ દરમિયાન ગેરકાયદેસર રીતે રસ્તા પર ઊભી રાખવામાં આવેલી લારીઓ, પાથરણાં તેમજ અન્ય પરચુરણ માલ-સામાનનો મોટો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આશરે એક ટ્રક ભરાઈ એટલો દબાણનો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો. ચાર દરવાજા વિસ્તારમાં સતત ટ્રાફિકની સમસ્યા રહેતી હોય છે, અને તેમાં ગેરકાયદેસર દબાણોને કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને ભારે અગવડ પડતી હતી. આ ફરિયાદને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આ આકરાં પગલાં લેવામાં આવ્યા છે. વોર્ડ ઓફિસર મહેશ રબારીએ જણાવ્યું હતું કે, “જાહેર માર્ગો પરના દબાણો સાંખી લેવામાં નહીં આવે. શહેરના નાગરિકોને સરળતાથી અવરજવર મળી રહે તે માટે આ કાર્યવાહી કરવામાં આવી છે. આ પ્રકારની કામગીરી ભવિષ્યમાં પણ ચાલુ રહેશે.

Most Popular

To Top