વેપારી પાસેથી રૂ.6 લાખ સામે 15 લાખ વસૂલ્યા છતાં રૂપિયાની ઉઘરાણી કરતા હતા
પોલીસ દ્વારા ઘનશ્યામ ફુલબાજે સહિતના નાસતા ફરતા આરોપીઓની શોધખોળ શરૂ કરાઇપ્રતિનિધિ વડોદરા તા.14
ગોત્રી વિસ્તારમાં રહેતા વેપારી પાસેથી વ્યાજખોર સહિતના મળતીયાઓ રૂ.6 લાખ સામે રૂ. 15 લાખ વસૂલ્યા હોવા છતાં રૂપિયાની ઉઘરાણી કરી ધમકી આપતા હતા. જેથી તેઓએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. હવે વ્યાજખોર સહિતના મળતીયાઓ પોલીસ ધરપકડથી બચવા માટે જાણે ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેમ નાસતા ફરે છે.
વડોદરા શહેરના ગોત્રી વિસ્તારમાં આવેલા આર્યા ગોવર્ધન–2માં રહેતા લુણીરાજ અરુણ પવારે વર્ષ 2017માં વાસણા-ભાયલી રોડ ખાતે આવેશ અર્બન-71 કોમ્પલેક્ષમાં દુકાન નં.8માં મરાઠા કટ્ટા નામની રેસ્ટોરંટ ચલાવતો હતો. કોરોના કાળ દરમ્યાન રેસ્ટોરંટમાં નુકશાન થવાથી વર્ષ 2020માં વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે પાસેથી 6 લાખ રૂપિયા પાંચ ટકા વ્યાજે લીધા હતા. જે રકમ વ્યાજ સહિતના 15.04 લાખ ચૂકવી દીધા હોવા છતાં વ્યાજખોર ઘનશ્યામ ફુલબાજે સહિતના તેમના મળતીયાઓ તેમના ઘરે આવી વ્યાજના રૂપિયા માગણી કરી ધમકીઓ આપી હેરાન પરેશાન કરવાનું શરૂ કર્યું હતું. તેઓ વેપારીને તેમની પાસેથી લીધેલા ચેક બાઉન્સ કરાવી ખોટા કેસમાં ફસાવી દેવા સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ વારંવાર આપતા હતા અને બન્ને ચેકો બાઉન્સ કરાવ્યા હતા. જેથી વેપારીએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસ દ્વારા ઘનશ્યામ ફુલબાજે (રહે. આજવા રોડ વડોદરા), ક્રિષ્ણા ભિખા કહાર (રહે. ફતેપુરા વડોદરા), કીરણ રમેશભાઈ માંછી (રહે. નાગરવાડા વડોદરા શહેર), સન્ની કમલેશ ધોબી ( રહે- માંડવી વડોદરા), નરેંદ્ર જગમોહન (રહે. સંગમ ચાર રસ્તા પાસે વડોદરા) અને શીતલબેન ૨મેશસિંહ ઠાકુર (રહે.સુભાનપુરા)ની સામે પોલીસ ગુનો નોંધી ઝડપી પાડવા શોધખોળ શરૂ કરવામાં આવી છે. પરંતુ વ્યાજખોર સહિતના મળતીયાઓ જાણે ભુગર્ભમાં ઉતરી ગયા હોય તેમ એક દિવસ થઇ ગયો હોવા છતાં પોલીસના હાથમાં આવ્યા નથી અને નાસતા ફરી રહી રહ્યા છે.