સોસાયટીના રહીશોએ પ્રાથમિક સુવિધાઓના અભાવે પક્ષોને પ્રવેશ ન આપવાનો એલાન કર્યું
વડોદરા : શહેરના વોર્ડ નંબર 16ના દંતેશ્વર વિસ્તારમાં આવેલી ભવ્ય દર્શન સોસાયટીના રહીશો હવે ધીરજ ગુમાવી બેઠા છે. વર્ષોથી મૂળભૂત સુવિધાઓથી વંચિત રહેલા આ વિસ્તારમાં, નાગરિકોએ ખુલ્લેઆમ આવનાર મહાનગરપાલિકા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી આપી છે.

રહિશોના જણાવ્યા અનુસાર, સોસાયટીમાં રસ્તા, પાણી, સ્ટ્રીટ લાઈટ અને ડ્રેનેજ જેવી પ્રાથમિક સુવિધાઓનો અભાવ છે. અનેકવાર કમિશનર, સ્થાનિક કાઉન્સિલર તેમજ સંબંધિત વિભાગોને રજૂઆત કરવા છતાં કોઇ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. ખાસ કરીને રસ્તાની ખરાબ હાલતને કારણે નાગરિકો રોજબરોજ મુશ્કેલીમાંથી પસાર થાય છે, વરસાદી ઋતુમાં હાલત તો વધુ નાજુક બની જાય છે.

સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે ચૂંટાયેલા પ્રતિનિધિઓ વારંવાર વચનો આપે છે, પરંતુ કામ કરતા નથી. આ સ્થિતિથી કંટાળેલા સોસાયટીના નાગરિકોએ જણાવ્યું કે, આવનારી કોર્પોરેશનની ચૂંટણીઓ દરમિયાન કોઇપણ રાજકીય પક્ષના પ્રતિનિધિઓ અથવા ઉમેદવારોએ સોસાયટીમાં પ્રચાર માટે આવવું નહીં. જો કોઇ પક્ષના કાર્યકર કે ઉમેદવાર વોર્ડમાં આવશે તો તેમને સોસાયટીમાં પ્રવેશ અપાશે નહીં.

રહિશોએ વધુમાં જણાવ્યું કે, શહેરના અન્ય વિસ્તારોમાં જો વિકાસના કામો શક્ય છે તો અમારી સોસાયટી માટે કેમ નહીં? અમે પણ વોર્ડના કરદાતા નાગરિકો છીએ અને અમને પણ શહેરની સમાન સુવિધા મળવી જોઈએ. માત્ર વચનોથી નહીં, પરંતુ હકીકતમાં રોડ, ડ્રેનેજ અને લાઈટ જેવી જરૂરી સુવિધાઓ પૂરી થશે ત્યારે જ અમારી સોસાયટી મતદાનમાં ભાગ લેશે.
સ્થાનિક રહીશોએ આંદોલનની ચીમકી પણ આપી છે કે જો તાત્કાલિક પ્રાથમિક સુવિધાઓ નહીં પૂરી થાય, તો તેઓ આગળ વધીને મ્યુનિસિપલ ઓફિસ પર રજૂઆત કરવા મજબૂર બનશે.