- પાનની દુકાનના ધારકને દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપી
- સ્થાનિક કોર્પોરેટર મૂકપ્રેક્ષક બની રહ્યા, પાલિકાએ દંડ ફટકાર્યો હોવાની માહિતી
વડોદરામાં વોર્ડ નંબર 10ના ભાજપના બે કાર્યકરોની દાદાગીરી સામે આવી છે તેઓને દાદાગીરી નો વિડીયો સીસીટીવી કેમેરામાં કેદ થયો છે, જેમાં એક કાર્યકર દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપે છે.લોકસભાની ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા ફેરણી કાઢવામાં આવી રહી છે. દરમિયાન વોર્ડ નંબર 10 માં એક દુકાનદાર સામે ભાજપના બે કાર્યકર્તાઓ દાદાગીરી કરતા હોવાનો વિડીયો સામે આવ્યો છે. આ બંને કાર્યકરોએ પાનના સંચાલક પાસે ખુરશી માંગી હતી. દુકાનદારે ખુરશી આપી હતી તેમ છતાં બંને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા અને દુકાનદાર સાથે બોલાચાલી કરી હતી. આ બંને કાર્યકરો ના નામ બ્રિજેશ કાપડિયા અને વિક્રમ હોવાનું બહાર આવ્યું છે. આ પૈકી વિક્રમ દુકાનદારને દુકાન બંધ કરાવી દેવાની ધમકી આપતો હોવાનું પણ વીડિયોમાં જોવા મળી રહ્યું છે જોકે આ તમામ બાબતમાં વોર્ડ નંબર 10 ના કોર્પોરેટર મુક પ્રેક્ષક બનીને ઊભા રહ્યા હતા. આ ઘટના બાદ પાલિકાએ આ દુકાનદારને 2000નો દંડ પણ ફટકાર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે.