અકોટા રામપુરા વુડાના ચોથા માળે મકાનમાં શોર્ટ સર્કિટ, ઘરવખરી બળીને ખાખ :
ગરમીના તાપમાનનો પારો ઊંચે ચડતા આગના બનાવોમાં નોંધપાત્ર વધારો
આકાશમાંથી અગન ગોળા વરસતા આગના બનાવોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે ગત રાત્રીએ શહેરના સમા વિસ્તારમાં પૂનમ ચાર રસ્તા પાસે આવેલા એમજીવીસીએલના ફીડરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. તાત્કાલિક ઘટના સ્થળે પહોંચેલા ફાયર બ્રિગેડના જવાનોએ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
વડોદરા શહેરમાં એક તરફ સ્માર્ટ મીટરના કારણે લોકોનો વિરોધી યથાવત જોવા મળી રહ્યો છે લોકોના ઘરોમાં વીજળી ડૂલ થતા નગરજનો ગરમીમાં ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે જ્યારે બીજી તરફ વીજ વાયરો, ફીડરોમાં આગ લાગવાની ઘટનાને લઈ લાઈટો ગુલ થવાની ઘટનાઓ સામે આવી રહી છે. તેવામાં સમા વિસ્તારના પૂનમ નગર ચાર રસ્તા પાસે આવેલા ફીડરમાં અચાનક આગ લાગી હતી. એકાએક આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ભડકા નજરે પડ્યા હતા. બનાવની જાણ કરવામાં આવતા તુરંત ફાયર બ્રિગેડના જવાનો સ્થળ પર પહોંચ્યા હતા અને આગ ઉપર કાબુ મેળવ્યો હતો.
અકોટા રામપુરાના વુડાના મકાનમાં પણ આગ લાગી હતી. મળતી માહિતી મુજબ અકોટા રામપુરા વુડાના મકાન બ્લોક નંબર 11 ચોથે માળે આવેલા એક મકાનમાં ACમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હતી. જે આખા ઘરમાં પ્રસરતા રસોડામાં ફ્રીજ, એસી સહિતનો સર સામાન બળીને ખાખ થઈ ગયો હતો. બનાવને પગલે ફાયબ્રિગેડના જવાનોએ તુરંત સ્થળ પર પહોંચી આગ ઉપર કાબુ મેળવ્યો હતો. આગની સર્જાયેલી આ બંને ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી.