પ્રતિનિધિ વડોદરા તા.18
સયાજીગંજ વિસ્તારમાં શ્રીજીની વિસર્જન યાત્રાનું ડીજે બંધ થઇ જતા યુવક મંડળના સંચાલક સહિતના સભ્યોએ જોરશોરથી બુમો પાડી અંદરોઅંદર મારામારી કરવા લાગ્યા હતા. દોડી આવેલી પોલીસ વિરુધ પણ લોકોએ રોષ પ્રગટ કર્યો હતો. જેથી પોલીસે તેમની સામે જાહેરમાં બખેડા કરવા સાથે સુલેહશાંતિનો ભંગ કરવાનો ગુનો દાખલ કરીને 19 લોકોની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
સયાજીગંજ વિસ્તારમાંથી જય ભાથુજીનગર યુવક મંડળના ગણપતિની વિસર્જન યાત્રા રાત્રીના 12 વાગ્યાના આસપાસ ભીમનાથ બ્રિજ સયાજી હોટલ પાસે આવી એકાએક ડીજે બંધ થઇ ગયું હતું. જેથી મંડળના કેટલાક શખ્સોએ અંદરો અંદર ઝઘડો કર્યા બાદ ઝપાઝપી કરવા લાગ્યા હતા. જોત જોતામાં એકબીજા વચ્ચે છુટ્ટા હાથની મારામારી પણ શરૂ થઇ ગઇ હતી. જેના પગલે હોબાળો મચી જતા રોડ પર ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. જેના કારણે સયાજીગંજ પોલીસે તુરંત સ્થળ પર પહોંચીને જાહેરમાં બખેડો ઉભો કરવા સાથે સુલેહશાંતિનો ભંગ કરવાનો ગુનો ટોળા સામે કરાયો હતો. જેમાં પોલીસે સંચાલકો સહિત સંજય બારિયા, દર્પણસિહ ઠાકુર, સત્નસિંહ ઠાકુર, નકુલ યાદવ, દિપ્તીરંજન નાયક, સોહનલાલ જાટ, જશવંતસિંહ અમલીયાર, તુષાર દગડુ, જિતેન્દ્ર માળી, અમિરાજ વર્મા, અશ્વિન રાઠવા, પ્રવિણકુમાર ઠાકુર, નકુલ યાદવ, જિગ્નેશ પાટીલ, અનુપ નિશાદ અને મહિન્દ્રા પિકઅપના ચાલક સહિતના લોકો સામે ગુનો દાખલ કરાયો હતો. જેમાથી પોલીસે મંગળવાર અને બુધવાર મળી અત્યારુ સુધીમાં 19 લોકોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.