વડોદરા તારીખ 5
વડસર વિસ્તારમાં વિશ્વામિત્રી નદીની કોતરોમાં ધમધમતી વિદેશી દારૂની ભઠ્ઠીઓ પર માંજલપુર અને પીસીબી પોલીસે દરોડા પાડ્યા હતા. જેમાં પોલીસે દારૂ ગાળનાર બે શખ્સને ઝડપી પાડ્યા હતા જ્યારે બે મહિલાને વોન્ટેડ જાહેર કરાઈ હતી. દારૂની ભઠ્ઠીઓ પરથી દેશી દારૂ બનાવવાના વોશ 1600 લિટર સહિત રૂ.36 હજારનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રામનવમીના તહેવારને લઈ પોલીસ શહેરના વિવિધ વિસ્તારોમાં સઘન વાહન ચેકિંગ અને પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ઉપરાંત ડ્રોન કેમેરા દ્વારા પણ સીટી વિસ્તારની છત ઉપર વોચ રાખવામાં આવી રહી છે. તેની વચ્ચે તાજેતરમાં જ વિશ્વામિત્રી નદીના કોતરમાં દારૂની ભઠ્ઠીઓ દ્વારા દારૂ ગાળવામાં આવી રહ્યો હોવાનો વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જેને લઇને પોલીસ એકશનમાં આવી ગઈ હતી. જેમાં માંજલપુર પોલીસ દ્વારા વિશ્વામિત્રી નદી કિનારે ધમધમતી દેશીદારૂની ભઠ્ઠી પર રેડ કરવામાં આવી હતી. તે દરમિયાન સ્થળ પરથી રાજુ ઉર્ફે માંજરો માળી (રહે. ખોડીયાર નગર, રેલ્વે ફાટક પાસે, દરબાર ચોકડી બ્રિજ નીચે, માંજલપુર, વડોદરા) ઝડપાઈ ગયો હતો. પોલીસે રાજુ માળીની ધરપકડ કરીને સ્થળ પરથી દારૂનો વોશ ભરેલા પ્લાસ્ટીકના પીપ નંગ-8 મળી આવ્યા હતા. તેમાં તપાસ કરતા 1600 લીટર દારૂ બનાવવાનો વોશ મળી આવ્યો હતો. જેથી પોલીસે વોશ સહિત રૂ.32 હજારનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તેવી જ પીસીબીને બાતમી મળી હતી કે વડસર બિલ્લાબોગ સ્કુલ પાછળ ઝૂપડામાં રહેતો વિક્રમ ખોડ સિંગ ઠાકોર ઝૂપડા પાછળ વિશ્વામિત્રી નદીના કોતરમાં દેશી દારૂની ભઠ્ઠી ચલાવી દેશી દારૂ બનાવે છે અને હાલમાં ભઠ્ઠી ચાલુ છે. જેના આધારે પીસીબી પોલીસે કોતરોમાં રેઇડ કરતા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતા વિક્રમ ખોડ સિંગ ઠાકોરને ઝડપી પાડયો હતો. જ્યારે મિનીક્ષા વિક્રમ ઠાકોર, જ્યોત્સના ઉર્ફે ટીની ભગવાન ઠાકોરને વોન્ટેડ જાહેર કરાઈ હતી. પીસીબીએ સ્થળ પરથી દેશી દારૂ અને દારૂ બનાવવાનો વોશ સહિત રૂ. 4 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી માટે માંજલપુર પોલીસને સોંપાયો છે.
