પ્રતિનિધિ વડોદરા તા. 16
વિઠ્ઠલનાથજીનો વરઘોડો અને મોહરમના તહેવાર નિમિત્તે નીકળનારા જુલુસ નીકળે ત્યારે કોઈ અનિચ્છનીય બનાવો ન બને એના માટે પોલીસ કમિશનર નરસિંમ્હા કોમાર દ્વારા એક્શન પ્લાન બનાવવામાં આવ્યો છે. જુલુસ અને વરઘોડા દરમિયાન કોઈ પણ અણબનાવ ન બને તેના માટે પોલીસ તંત્ર ખડે પગે ફરજ બજાવશે. જેના માટે ડીસીપી, એસીપી, પીઆઇ, પીએસઆઇ, ટ્રાફિક પોલીસ ટીઆરબી જવાન અને હોમગાર્ડ મળી બે હજાર ઉપરાંતના પોલીસ કર્મચારીઓનો લોખંડી બંદોબસ્ત ખડકી દેવામાં આવશે. ઉપરાંત ચાર એસઆરપીએફ કંપની પણ બંદોબસ્તમાં હાજર રહેશે. અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા શહેરમાં અલગ અલગ જગ્યા પર 174 જેટલા તાજીયા બનાવવામાં આવ્યા છે. કતલની રાત બાદ જુલુસ કાઢવામાં આવશે અને વિવિધ પાંચ જગ્યા પર તાજીયા નું વિસર્જન પણ કરાશે. ત્યારે તાજીયા ના વિસર્જન સ્થળો પર પણ સુરક્ષા વ્યવસ્થા પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા ગોઠવી દેવામાં આવી છે.