સતત વોચમાં રહેલી એસઓજી પોલીસે તેના ઘરમાંથી ફૈઝલ પટેલને દબોચ્યો
પ્રતિનિધિ વડોદરા તા.7
બે મજૂરોને નોકરી પર રાખીને ગાંજાનું વેચાણ કરાવનાર મુખ્ય આરોપી ફૈઝલ પટેલને એસઓજી પોલીસ દ્વારા તેના ઘરમાંથી ઝડપી પાડવામાં આવ્યો છે. કેરીયર ક્યાંથી અને કોની પાસેથી ગાંજાનો જથ્થો લાવતો હતો. તેની પૂછપરછ કરવા માટે કોર્ટમાંથી એસઓજી દ્વારા બે દિવસના રિમાન્ડ મંજૂર મેળવાયાં છે.
વડોદરા શહેરના વાસણા રોડ પર આવેલા રોશન ફ્લેટમાં રહેતા ફૈઝલ ઉર્ફે માંજરો અબ્બાસ પટેલ ગાંજો કોઇ સપ્યાલર પાસેથી લાવતો હતો. ત્યારબાદ આ ગાંજાનું વેચાણ કરવા માટે તેને 300 રૂપિયા આપીને બે મજૂરો વિજય બોઘા મારુ તથા આકાશ માળીને રાખ્યા હતા. દરમિયાન એસઓજી પોલીસે ભાયલી વિસ્તારમા ફાયર સ્ટેશનની દિવાલ પાસેથી ગાંજાનું વેચાણ કરનાર બે શખ્સને ઝડપી પાડ્યા હતા. પરંતુ ફૈઝલ પટેલ ભાગતો ફરતો હોવાથી એસઓજીની ટીમ સતત તેના ઘર પર વોચ રાખી હતી. દરમિયાન જેઓ ફૈઝલ પટેલ પોતાના ઘરે આવ્યો હતો ત્યારે એસઓજી પોલીસની ટીમે ત્યાં જઇને તેના ઘરમાંથી ફૈઝલ પટેલને દબોચ્યો હતો. કેરીયર ગાંજાનો જથ્થો કયાથી અને કોની પાસેથી લાવ્યો હતો. તેનો યોગ્ય જવાબ આપતો ન હોય એસઓજી દ્વારા આરોપીને કોર્ટમાં રજૂ કરીને 6 દિવસના રિમાન્ડની માગણી કરાઇ હતી. ત્યારે કોર્ટ દ્વારા આરોપીને 2 દિવસના પોલીસ કસ્ટડી રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યાં છે. ઉલ્લેખનીય છે કે કેરીયર ફૈઝલ પટેલ ગુનાઇત ભૂતકાળ ધરાવે છે. તેના વિરુદ્ધ અગાઉ જેપી રોડ પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ તથા ગોત્રી પોલીસ સ્ટેશનમાં પણ વિવિધ ગુનો નોંધાઇ ચૂક્યા છે. આરોપી પાસેથી એસઓજીએ એક મોબાઇલ કબજે કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઇ છે.
