વડોદરા તારીખ 30
વડોદરા શહેરમાં ફરી અછોડા તોડ ટોળકીનો આતંક વધી રહ્યો છે. રસ્તા પર મહિલા અને વૃદ્ધાઓને દાગીના પહેરેલા જોવે કે તુરંત આ ટોળકી નિશાન બનાવતી હોય છે. ત્યારે વધુ એકવાર વડોદરાના વાઘોડિયા રોડ પર અછોડા તોડનો બનાવ બન્યો છે. વૃદ્ધ મહિલા કલાદર્શન ચાર રસ્તા પાસે ઘરે જવા માટે રીક્ષાની રાહ જોઈને ઉભા રહ્યા હતા. તે દરમિયાન બાઈક પર બે ગઠિયા તેમના તરફ ધસી આવ્યા હતા અને પાછળ બેઠેલા શખસે વૃદ્ધાએ પહેરેલી રૂ. 45 હજારની સોનાની ચેન આંચકી બાઈક પૂરઝડપે દોડાવી ફરાર થઈ ગયા હતા.
વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર મેઘાનગર સોસાયટીમાં રહેતા પ્રેરણાબેન દ્વારકેશભાઈ શાહ નિવૃત્ત છે. વૃદ્ધા 27 જાન્યુઆરીના રોજ તેમના સંબંધીએ અકોટા સયાજીનગર ગૃહ ખાતે કથા રાખી બપોરના સમયે ત્યાં ગયા હતા. પ્રસંગ પતાવીને વૃદ્ધા રિક્ષામાં બેસી રાત્રે ઘરે પરત આવવા માટે નીકળ્યા હતા અને રાત્રીના આઠેક વાગ્યાની આસપાસ તેઓ કલાદર્શન ચાર રસ્તા પાસે ઉતાર્યા હતા અને વાઘોડિયા રોડ તરફ જતી અન્ય રિક્ષાની રાહ જોઈને તેઓ ઊભા હતા. તે સમયે અચાનક એક બાઇક ઉપર બે અજાણ્યા શખ્સો તેમના તરફ ધસી આવ્યા હતા અને બાઈક પર પાછળ બેઠેલા ગઠિયાએ વૃદ્ધાના ગળામાં હાથ નાખીને રૂ. 45 હજારની સોનાની ચેઈન આંચકી લેતા તેઓ ગભરાઈ ગયા હતા અને બૂમાબૂમ કરી મૂકી હતી પરંતુ બાઈક સવાર ગઠિયાઓ પરિવાર ચાર રસ્તા તરફ ભાગી ગયા હતા. વૃદ્ધાની બૂમાબૂમ સાંભળીને આસપાસથી લોકો ભેગા થઈ ગયા હતા. જે તે સમયે વૃદ્ધાને કુટુંબના લગ્ન પ્રસંગમાં બહાર જવાનું હોય પોલીસ સ્ટેશન ફરીયાદ કરવા માટે આવી શક્યા ન હતા. હવે વૃદ્ધાએ પાણીગેટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે બંને ગઠીયાઓને ઝડપી પાડવા માટે ગતિવિધિઓ તેજ બનાવી છે.
