વડોદરા શહેર પોલીસનો દારૂ ગાળવાની ભઠ્ઠી ઉપર સપાટો



વડોદરા તારીખ 11
આગામી દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને વડોદરા શહેરના પોલીસ કમિશ્નર નરસિમ્હા કોમાર તથા અધિક પોલીસ કમિશ્નર ડૉ. લીના પાટીલ દ્વારા અલગ અલગ વિસ્તારમાં ધમધમી રહેલા દેશી દારૂ ના ભઠ્ઠાઓનો સપાટો બોલાવવા માટેની સૂચના આપવામાં આવી હતી. જેને લઈને પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદે ઘણો ધમી રહેલા દેશી દારૂના ભઠ્ઠા ઉપર પોલીસે કાર્યવાહી કરવાનું શરૂ કર્યું હતું. જેમાં માંજલપુર પોલીસ વિસ્તારમાં પેટ્રોલીંગની કામગીરી કરી રહી હતી. તે દરમીયાન બાતમી મળી હતી કે વડસર ગામના વિશ્વામિત્રી નદીના કોતરોમાં અલગ અલગ જગ્યા ઉપર દેશી દારૂ ગાળવાની ભઠ્ઠીઓ ધમધમે છે અને હાલમાં પણ દારૂ ગાળવાની પ્રક્રિયા ચાલુ જ છે. જેના આધારે પોલીસે આજે વહેલી સવારે વડસર ગામ પાસેથી પસાર થતી વિશ્વામિત્રી નદીની કોતરોમાં અલગ અલગ જગ્યાએ રેઈડ કરી દેશી દારૂની ભઠ્ઠીઓ ઝડપી પાડવામાં આવી હતી. અલગ અલગ જગ્યાએ દારૂ ગાળનાર કિશન વીરાભાઈ માળી (રહે. વડસર ગામ ગોચરમાં માળી ફળીયુ વડોદરા), આસા રણજીત માળી (રહે.ચંદન તલાવડી વડસર ગામ વડોદરા) તેમજ મંગી લક્ષ્મણ માળી (રહે.માળી મહોલ્લો વડસર ગામ વડોદરા) ધરપકડ કરાઈ હતી. જેમાં પોલીસે સ્થળ ઉપરથી દેશી દારૂ, દારૂ બનાવવાનો વોશ ખાલી પીપ અને પ્લાસ્ટિકની પાઇપ સહિત રૂ. 6 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેવી જ રીતે પાલીયાપુરા ગામ પાસે નદીના કોતરોમાં દેશી દારૂ ગાળવાની ત્રણ ભઠ્ઠી ઉપર કપુરાઈ પોલીસે રેડ કરી હતી અને ભઠ્ઠીનો નાશ કરીને સ્થળ ઉપરથી દેશી દારૂ તેમજ દેશી દારૂ બનાવવાનો વોશ ગોળ સહિત રૂપિયા 19 હજારનો મુદ્દામાલ કબજે કરી કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી દેશી દારૂ બનાવનાર ત્રણ આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો.